ચૂંટણીમાં હાર પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને જવાબદાર ન ઠેરવવા માટે કોંગ્રેસને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો નેશનલ કોન્ફરન્સ અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)એ સલાહ આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો દોષ કોંગ્રેસે હંમેશની જેમ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર નાંખ્યો છે અને ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી હતી. કોંગ્રેસના મહત્વપૂર્ણ સાથીપક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસને ઈવીએમના રોદણાં બંધ કરી ચૂંટણીમાં પરાજય સ્વીકારી લેવાની સલાહ આપી હતી. પાર્ટીના વડા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ જ ઈવીએમથી તમારા ૧૦૦થી વધુ સાંસદો ચૂંટાઈને આવે છે તો તમે તેને પક્ષના વિજય તરીકે સેલિબ્રેટ કરો છો અને થોડાક જ મહિના પછી તમે પલટી મારીને કહો છો કે અમને ઈવીએમથી મતદાન પસંદ નથી, કારણ કે ચૂંટણી પરિણામ અમારી ઈચ્છા મુજબ આવી રહ્યા નથી.
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે જેઓ EVM પર શંકા કરે છે તેઓએ તે દર્શાવવું જોઈએ કે તેને કેવી રીતે હેક કરી શકાય છે. જે લોકો EVM પર પ્રશ્નો ઉઠાવે છે, જો તેમની પાસે કોઇપણ પુરાવા હોય તો તેઓએ ચૂંટણી પંચને ડેમો બતાવવો જોઈએ. મને નથી લાગતું કે આ આરોપમાં કોઈ તથ્ય છે.