ભારતના બિલિયોનેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રશિયાની રોઝનેફ્ટ પાસેથી 10 વર્ષ માટે દર વર્ષે 12-13 બિલિયન ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરવા માટેના એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. રશિયન સરકારની માલિકીની ક્રૂડ ઓઇલ કંપની રોઝનેફ્ટ રિલાયન્સને દરરોજ 5 લાખ બેરલ (વર્ષે 2.5 કરોડ ટન) ક્રૂડ ઓઇલ સપ્લાય કરશે. ક્રૂડ ઓઇલના આ ભાવે આ ડીલ આશરે 12થી 13 અબજ ડોલરની થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની કોઈપણ સપ્લાય કોન્ટ્રાક્ટની ચોક્કસ વિગતો પર ટિપ્પણી કરતી નથી, કારણ કે ગોપનીય હોય છે. જોકે પ્રવક્તાએ જણાવ્યું હતું કે રશિયા હાલમાં ભારત માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર દેશ છે.અમે હંમેશા અમારી રિફાઇનરી માટે કાચો માલ ખરીદવા માટે રશિયા સહિત સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સપ્લાયરો સાથે સંકળાયેલા છીએ. પ્રથા મુજબ આવા સપ્લાય કોન્ટ્રાક્ટ અગાઉથી કરવામાં આવે છે. બજારની સ્થિતિને આધારે કાર્ગોની સંખ્યા અલગ અલગ રહી શકે છે.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી રશિયામાં ક્રૂડ ઓઇલની ભારતની ખરીદીમાં વધારો થયો છે અને ભારત બીજા ક્રમે સૌથી મોટો ખરીદદાર દેશ બન્યો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતનું માત્ર એક ટકા ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ હવે તે પ્રમાણ વધીને આશરે 40 ટકા થયું છે. ભાવની મર્યાદા અને યુરોપીયન દેશો મોસ્કોથી ખરીદી કરવાનું ટાળતા હોવાને કારણે રશિયા ભારતને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલ આપે છે.
રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે બે રિફાઈનરી ધરાવે છે, જે ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણમાં ફેરવે છે તથા યુરોપ અને બીજા દેશોની નિકાસ કરે છે. રિલાયન્સે અગાઉ રોસનેફ્ટ પાસેથી મહિને ઓછામાં ઓછા 3 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદવા માટે એક વર્ષનો સોદો કર્યો હતો.