અમેરિકામાં ગત મહિને ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને હવે ટાઇમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા છે. તેમને ગુરુવારે ન્યૂ યોર્ક શેરબજારમાં ‘ઓપનિંગ બેલ’ વગાડવાનું સન્માન પણ મળ્યું હતું. ટ્રમ્પ માટે આ શાનદાર ‘કમબેક’ કહી શકાય. ચાર વર્ષ પહેલાં ચૂંટણી પરિણામને સ્વીકારવાનો ઇનકાર કરનારા ટ્રમ્પ 20 જાન્યુઆરીએ ફરીથી અમેરિકાનું એડમિનિસ્ટ્રેશન સંભાળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પે ન્યૂ યોર્ક શેરબજારમાં ‘ઓપનિંગ બેલ’ વગાડી ટ્રેડિંગની શરૂઆત કરાવી હતી. ઉપરાંત, ગુરુવારે ટાઇમ મેગેઝિને તેમને ‘પર્સન ઓફ ધ યર’ પણ જાહેર કર્યા હતા. સૌપ્રથમ 1989માં મેગેઝિનના કવર પેજ પર તેમની તસવીર છપાઈ હતી. 2016માં પણ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે પ્રથમ વખત ચૂંટાયા ત્યારે ‘ટાઇમ્સ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા હતા. આ વર્ષે તેમની સાથે સ્પર્ધામાં કમલા હેરિસ, એલન મસ્ક, બેન્જામીન નેતન્યાહુ સહિતના લોકોનો સમાવેશ થયો હતો. ગત વર્ષે ટેલર સ્વિફ્ટ ટાઇમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ બન્યા હતા. ન્યૂ યોર્ક શેરબજાર નિયમિત રીતે વિવિધ સેલિબ્રિટી અને બિઝનેસ લીડર્સને સવારે ૯:૩૦ કલાકની ‘ઓપનિંગ બેલ’ સેરેમનીમાં ભાગ લેવાનું આમંત્રણ આપે છે. ગુરુવારે ટ્રમ્પને પહેલી વખત આ સન્માન મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે છ મહિના અગાઉ મેનહટ્ટનની કોર્ટમાં બેસીને કાનૂની કાર્યવાહીનો સામનો પણ કર્યો હતો.

LEAVE A REPLY