ભારતીય મૂળના હાઉસ ઓફ લોર્ડ્સના પીઅર અને જાણીતા બિઝનેસમેન લોર્ડ રેમી રેન્જરને અપાયેલું કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) બહુમાન “સન્માન પ્રણાલીને બદનામ કરવા” બદલ મહારાજા કિંગ ચાર્લ્સ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. આ અઠવાડિયે બહાર આવેલી ફોરફીટર કમીટીના નિર્ણયમાં હિન્દુ સમુદાય અને ઇન્ટરફેઇથ સંબંધો માટેની સેવાઓઓ બદલ OBE મેળવનાર હિન્દુ અગ્રણી તથા હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ કુમાર ભનોટને જૂન 2010માં રાણીના જન્મદિવસના સન્માનમાં એનાયત કરવામાં આવેલ OBE સન્માન પાછું ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.

કન્ઝર્વેટિવ પાર્ટીના પીઅર અને યુકે સ્થિત એફએમસીજી ફર્મ સન માર્ક લિમિટેડના સ્થાપક રામીન્દર સિંઘ રેન્જરના પ્રવક્તાએ આ નિર્ણયને “અન્યાયી” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેને લોર્ડ રેન્જર પડકારશે.’’

ડિસેમ્બર 2015ના નવા વર્ષની ઓનર્સ લિસ્ટમાં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II દ્વારા બ્રિટિશ બિઝનેસ અને એશિયન સમુદાયને સેવાઓ માટે લોર્ડ રેન્જરને CBE એનાયત કરાયો હતો. UK કેબિનેટ ઑફિસની ફોરફીચર કમિટીએ આ ભલામણો પાછળના કારણોનો ઉલ્લેખ કર્યો નથી

આ અગાઉ, લોર્ડ રેન્જરને ઓક્ટોબર 2022માં લંડનમાં હાઉસ ઓફ પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં દિવાળી કાર્યક્રમ વખતે હાઉસ ઓફ લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ દ્વારા આચારસંહિતાની તપાસનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદમાં પીઅર પર લંડન સ્થિત કેમ્પેઇનર અને પત્રકાર પૂનમ જોશીને ‘ટોક્સીક’, ‘કુલ નટકેસ’ અને ‘ગંદકી અને કચરાનું પ્રતીક’ કહેતી અપમાનજનક ટ્વિટ્સ અને પોસ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ગયા વર્ષે જૂનમાં હાઉસ ઓફ લોર્ડ્સના ધોરણોના કમિશનર અકબર ખાનના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ‘’બુલીઇંગ અને ઉત્પીડન સંબંધિત નિયમોના સંભવિત ભંગ અંગે, તમામ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી, મેં તારણ કાઢ્યું છે કે લોર્ડ રેન્જરની વર્તણૂક બુલીઇંગ અને પજવણીના માપદંડોને પૂર્ણ કરે છે અને તેથી આચાર સંહિતાનો ભંગ કરે છે.”

શીખ સમુદાય વિશે તેમણે કરેલી પોસ્ટ્સ અને સોસ્યલ મીડિયામાં પાકિસ્તાનીઓ વિશેની ટિપ્પણીઓને ધ્યાનમાં લીધા પછી કમીટીએ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જો કે લોર્ડ રેન્જરે તે બાબતે “પસ્તાવો” વ્યક્ત કરી માફી માંગી હતી.

તે અહેવાલને પગલે ગયા વર્ષે લોર્ડ રેન્જરને કન્ઝર્વેટિવ સંસદીય પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા પરંતુ નવેમ્બરમાં તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમણે 2009થી કન્ઝર્વેટિવ પાર્ટીને આશરે £1.5 મિલિયનનું દાન આપ્યું છે.

ધ લંડન ગેઝેટમાં સત્તાવાર જાહેર સૂચનામાં જણાવાયું હતું કે “કિંગે નિર્દેશ આપ્યો છે કે 31 ડિસેમ્બર, 2015ના રોજ, બ્રિટિશ સામ્રાજ્યના સૌથી ઉત્કૃષ્ટ ઓર્ડરના સિવિલ ડિવિઝનના કમાન્ડર તરીકે બેરોન રેન્જર રામિન્દર સિંઘની નિમણૂક રદ કરવામાં આવે અને તેમનું નામ ભૂંસી નાખવામાં આવે.”

કેબિનેટ ઑફિસની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યક્તિ “ફોજદારી ગુના માટે દોષિત ઠરે તો સન્માન પાછું ખેંચી શકાય છે. આ ઉપરાંત રેગ્યુલેટરી સંસ્થા અથવા પ્રોફેશનલ સંસ્થા દ્વારા નિંદા કરાય, અથવા અન્ય કોઈપણ વર્તણૂક કે જે ઓનર સિસ્ટમને બદનામ કરતી લાગે ત્યારે બહુમાન પાછુ ખેંચી લેવામાં આવે છે. દરેક કેસ વ્યક્તિગત રીતે ગણવામાં આવે છે. કમિટી કોઈ તપાસ સંસ્થા નથી – તે નક્કી કરતી નથી કે કોઈ ચોક્કસ કૃત્ય માટે કોઈ દોષિત કે નિર્દોષ છે કે નહીં. તેના બદલે, તે સત્તાવાર તપાસના તારણોને પ્રતિબિંબિત કરે છે અને સન્માન પ્રણાલીને બદનામ કરવામાં આવી છે કે નહીં તેની ભલામણ કરે છે.”

લોર્ડ રેન્જરના પ્રવક્તાએ પ્રક્રિયાની પારદર્શિતાના અભાવ અને ઉચ્ચ સ્તરની ગુપ્તતા બાબતે નોંધપાત્ર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘’તેઓ અન્યાયી નિર્ણયને પડકારવા તરફ ધ્યાન આપી રહ્યા છે. લોર્ડ રેન્જરે કોઈ ગુનો કર્યો નથી કે તેમણે કોઈ કાયદો તોડ્યો નથી.  લોર્ડ રેન્જર ખૂબ જ દુઃખી છે કે બ્રિટિશ બિઝનેસમાં તેમની સેવાઓ માટે અને સામુદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે તેમને આપવામાં આવેલ CBE છીનવી લેવામાં આવ્યું છે. ફોરફીચર સમિતિએ એવી સંખ્યાબંધ બાબતોની રી-વાઝીટ કરી છે, જેની સાથે પહેલેથી જ કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના માટે લોર્ડ રેન્જરે માફી માંગી હતી, તેમની ભાષાના ઉપયોગ અંગે પુનર્વસનની તાલીમ લીધી હતી અને સોશિયલ મીડિયામાંથી બહાર આવ્યા હતા.”

પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે ‘’તેઓ તેમના માટે ખુલ્લા વિવિધ કાનૂની માર્ગો દ્વારા નિવારણ માટેના તમામ વિકલ્પો શોધી રહ્યા છે અને યુકે અને વિદેશમાં પોતાને સમર્થન આપવા અને પોતાનું નામ સાફ કરવા માટે આ અન્યાયી નિર્ણયને પડકારશે. લોર્ડ રેન્જર પાસેથી CBE સન્માન જે રીતે પરત લેવામાં આવ્યું છે તે શરમજનક છે.’’

બન્ને અગ્રણીઓને બકિંગહામ પેલેસમાં તેમનું સન્માન પરત કરવા માટે કહેવાશે અને તેઓ હવે તેમના સન્માનનો કોઈ સંદર્ભ આપી શકશે નહીં. ફોરફીચર કમીટીની ભલામણો યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મર દ્વારા રાજાને સુપરત કરવામાં આવી હતી.

ખાલિસ્તાનીઓ સામે ઊભા રહેવા બદલ મારું CBE સન્માન ગુમાવ્યું છે: લોર્ડ રેમી રેન્જર

‘’વડાપ્રધાન મોદીના વિરોધીઓની મદદથી બે ભાગની ડોક્યુમેન્ટ્રી બનાવીને ભારતને તોડવા ઈચ્છતા ખાલિસ્તાનીઓ સામે ઊભા રહેવા બદલ આજે મેં મારું CBE સન્માન ગુમાવ્યું છે. ફોરફિચર કમિટીની કાર્યવાહીએ બ્રિટિશ લોકશાહી અને કાયદાના શાસનને ક્ષતિ પહોંચાડી છે  જ્યાં નાગરિકોને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે’’ એમ લોર્ડ રેમી રેન્જરે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.

લોર્ડ રેન્જરે કહ્યું હતું કે ‘’ફોરફિચર કમિટીનીના નિર્ણયની અસર એ તમામ ઉભા રહેલ નાગરિકો પર પડશે અને તેમને સંદેશ આપશે કે તેમણે પોતાના મનની વાત ન કરવી જોઈએ અન્યથા આપણને અને આપણા દેશને નુકસાન પહોંચાડતા લોકો સામે સામે ઊભા રહેવા બદલ મળેલા સન્માનને ગુમાવવું પડશે. હું હવે ન્યાયિક સમીક્ષા અને યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમા લડત આપનાર છું. કેમ કે ફોરફિચર કમિટીએ મારા વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારો છીનવી લીધા છે.’’

જો તમને લાગતું હોય કે મારી સાથે અન્યાય થયો છે, તો કૃપા કરીને ફોરેફિચર કમીટીને [email protected]  ઈમેલ કરી તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

વાણી સ્વાતંત્ર્યના મુદ્દે મને નિર્દોષ જાહેર કરાયો હતો: અનિલ કુમાર ભાનોટ

પ્રેક્ટિસિંગ એકાઉન્ટન્ટ અને લેસ્ટરમાં કોમ્યુનિટી આર્ટસ સેન્ટર ચલાવતા અનિલ કુમાર ભાનોટે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે ‘’જાન્યુઆરીમાં ફોરફિચર કમિટી દ્વારા મારા પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતી, 2021માં બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વિશે મેં લખેલી ટ્વીટ્સ બાબતે સંપર્ક કરાયો હતો. જે અંગે મેં રજૂઆતો કરી હતી. વેબસાઈટ “5 પિલર્સ” દ્વારા આ ટ્વીટ્સ વિશે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ચેરિટી કમિશનને ફરિયાદ કરાઇ હતી. જે બન્ને સંસ્થાઓએ વાણી સ્વાતંત્ર્યના મુદ્દે મને નિર્દોષ જાહેર કર્યો હતો અને કંઈપણ ઇસ્લામોફોબિક કહ્યું હોવાનો ઇનકાર કર્યો હતો.’’

ભાનોટે કહ્યું હતું કે “તે સમયે અમારા મંદિરોનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને હિંદુઓ પર હુમલા અને હત્યા કરવામાં આવી રહી હતી. બીબીસી તેને કવર કરતું ન હતું અને મને તે ગરીબ લોકો પ્રત્યે સહાનુભૂતિ હતી. હું સંવાદ અને કાયદાકીય પગલાં માટે અપીલ કરતો હતો. મેં કંઈ ખોટું કર્યું નથી અને મેં સન્માન પ્રણાલીને બદનામ કરી નથી. ઇંગ્લેન્ડમાં હવે મુક્ત ભાષણ ભૂતકાળની વાત છે. હું તેના વિશે ખૂબ જ નારાજ છું. કારણ કે તે એક સન્માન છે, તે રાજકીય છે. મને નથી લાગતું કે તેઓ મારી રજૂઆતોને બિલકુલ જોતા હોય.”

LEAVE A REPLY