બ્રિટનમાં દારાહ તોફાને કાળો કેર વર્તાવ્યો છે. તોફાનને કારણે હજારો લોકો શનિવારે વીજળીના પુરવઠા વિના રહેવા મજબૂર બન્યા હતા. તોફાનના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે જોરદાર પવન અને વરસાદને કારણે ક્રિસમસ પૂર્વ લોકોનો પ્રવાસ અવરોધાયો હતો.
આ સીઝનમાં ત્રાટકેલું ચોથું તોફાન દારાહ વિકેન્ડમાં ભારે વરસાદ લાવ્યું હતું. બ્રિટનની પર્યાવરણ એજન્સીએ પૂરને લગતી સંખ્યાબંધ ચેતવણીઓ ઇશ્યૂ કરી હતી. બ્રિટનના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે આ તોફાનને કારણે પડકારજનક સ્થિતિનું સર્જન થાય તેવી આશંકા છે. વેલ્સમાં હવામાન વિભાગે જણાવ્યુ હતું કે લગભગ 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. તોફાનને કારણે ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. વેલ્સના ઘણા વિસ્તારોમાં તોફાનની અસર થઇ હતી.
રવિવારની સાંજે લંકેશાયરમાં પ્રેસ્ટન નજીક લોંગટન ખાતે A59 પર સિટ્રોન વાન ચલાવતા સ્થાનિક પોલ ફિડલર નામના વ્યક્તિનું વાન પર વૃક્ષ પડતાં મૃત્યુ થયું હતું. તેઓ લિથમ ટાઉન એફસી – ફૂટબોલ ક્લબના આસીસ્ટન્ટ મેનેજર હતા.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે બપોરના સમયે એર્ડિંગ્ટનના સિલ્વર બર્ચ રોડ પર એક વૃક્ષ કાર પર પડતાં અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે વાવાઝોડા દરમિયાન વેસ્ટ કોર્નવોલના હાયર બોજેવ્યાન ફાર્મમાં પાવર કેબલ પડી જવાથી નવ ગાયોના મોત થયા હતા.
ગંભીર હવામાનને કારણે યુકેના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર એરક્રાફ્ટની હિલચાલના દર પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને રવિવારના રોજ પણ સમાન હવાઈ ટ્રાફિક નિયંત્રણના પગલાં અમલમાં મૂકાયા હતા. એકલા બ્રિટિશ એરવેઝે હિથ્રોથી ઉપડતી 100થી વધુ ટૂંકા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને 30 સ્થાનિક સેવાઓ રદ કરી હતી. કુલ મળીને ઓછામાં ઓછા 20,000 મુસાફરોને અસર થવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.
પરિવહન સેવાઓ, ઊર્જા માળખું અને માલ-મિલકતને નુકસાન થયુ હતું. અને હજુ પણ તેની અસરો વર્તાય તેવી આગાહી વ્યક્ત કરાઇ છે. ઓવરહેડ વાયરને થયેલા નુકસાનને કારણે બ્રોમ્સગ્રોવ, રેડડિચ અને બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ જેવા વિસ્તારોમાં સેવાઓ ખોરવાઈ ગઈ છે.
શનિવારે બપોર સુધીમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લગભગ 177,000 ઘરો વીજળી વિહોણા હતા. સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગોથી એડિનબરા અને ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજથી સ્ટેનસ્ટેડ એરપોર્ટના રૂટ સહિતના કેટલાક રૂટ પર ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ હતી.
સમગ્ર બ્રિટનમાં ટ્રેન સેવા પૂરી પાડતી રેઇલ ઓપરેટર ક્રોસ કન્ટ્રીના જણાવ્યા અનુસાર અમે ટ્રેનોના રદ્દીકરણ અને ટ્રેનોના આવાગમનમાં થયેલા વિલંબને કારણે મુસાફરોને પ્રવાસ નહીં કરવાની નોટીસ આપી હતી. નેટવર્ક રેઇલ વેલ્સે વેલ્શના ઉત્તરી કિનારાથી ક્ષેત્રોથી ટ્રેન સેવા સસ્પેન્ડ કરી હતી. કારણ કે અનેક સ્થળોએ રેલવે લાઇનો પર ઝાડ પડી ગયા હતા તેમ જ દક્ષિણ ઇંગ્લેન્ડમાં અનેક સ્થાનોએ પુલો તુટી ગયા હતા.
નોર્ધર્ન આયરલેન્ડમાં પણ હજારો ઘરોની વીજળી ગુલ થઇ ગઇ હતી અને કેટલીક બસ અને ટ્રેન સેવાઓને સ્થગિત કરવાની ફરજ પડી હતી. ક્રિસમસ માર્કેટ અને કેટલીક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને રદ કરવાની ફરજ પડી હતી.
બ્રિટિશ એરવેઝનું એક વિમાન શનિવારે લંડન હિથ્રો ખાતે ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે ડગુમગુ થઇ ભારે પવન સામે લડી રહ્યું હોવાના ફૂટેજે
સોસ્યલ મિડીયાનું ધ્યાન ખેંચ્યુ હતું.