અમેરિકામાં ફરીથી પ્રેસિડેન્ટપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગત રવિવારે એવી જાહેરાત કરી હતી કે તેઓ તેમના શાસનના પ્રથમ દિવસે જ દેશમાં ‘બર્થરાઈટ સિટિઝનશિપ’ (જન્મસિદ્ધ નાગરિત્વ) નાબૂદ કરશે. બર્થરાઇટ સીટીઝનશિપની નીતિ બંધારણના 14મા સુધારામાં નિર્ધારિત થઇ છે. જો આ નીતિનો અમલ કરવામાં આવશે તો અમેરિકામાં ડોક્યુમેન્ટ્સ વગરના માતા-પિતા દ્વારા જન્મેલા વ્યક્તિઓને નાગરિકત્વ મળશે નહીં.
ગત રવિવારે NBC ન્યૂઝને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચાર વર્ષના નવા કાર્યકાળ દરમિયાન તેમાં સફળતા મેળવવાના લક્ષ્યાંક સાથે દેશમાં ગેરકાયદે રીતે પ્રવેશેલા તમામ લોકોને દેશનિકાલ કરવાની યોજનાની પણ રૂપરેખા આપી હતી. આ બાબત તેમના રીપબ્લિકન કેમ્પેઇનનો મુખ્ય મુદ્દો હતી. જોકે, ટ્રમ્પે ‘ડ્રીમર્સ’- ડોક્યુમેન્ટ્સ વગરના ઇમિગ્રન્ટ્સ કે જેઓ બાળક તરીકે અમેરિકામાં આવ્યા હતા તેમને દેશમાં રહેવાની મંજૂરી આપવા માટેની સમજૂતીમાં ડેમોક્રેટ્સ સાથે સહયોગ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
મહિલાઓના પ્રજનન અધિકારો (રીપ્રોડક્ટિવ રાઇટ્સ) અંગે ટ્રમ્પે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ ગર્ભપાતની ગોળીઓ મેળવવાના મુદ્દે કોઇ નિયંત્રણ રાખવાનો ઇરાદો ધરાવતા નથી. જોકે, તેમના કેમ્પેઇનના નિવેદનોમાં રો વિરુદ્ધ વેડના ચુકાદાને બદલવાના સુપ્રીમ કોર્ટના 2022ના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં નિયુક્ત ત્રણ ન્યાયમૂર્તિઓએ ગર્ભપાતના બંધારણીય અધિકારને રદ્ કર્યો હતો.
અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકત્વ એ એક કાયદાકીય સિદ્ધાંત છે, જે દેશમાં જન્મેલા વ્યક્તિઓને તેમના માતા-પિતાની ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વગર નાગરિકત્વનો અધિકાર આપે છે. અમેરિકાના બંધારણના 14મા સુધારામાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુજબ, “યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા તમામ વ્યક્તિ અથવા કુદરતી રીતે તમામ વ્યક્તિઓ અને તેમના અધિકારક્ષેત્રને આધીન, અમેરિકા અને તેઓ જ્યાં રહે છે તે રાજ્યના નાગરિકો છે.”
આ સિદ્ધાંત, ‘જુસ સોલી’ (માટીનો અધિકાર) તરીકે જાણીતો છે, તે ‘જુસ સેંગુઇનિસ’ (લોહીના સંબંધનો અધિકાર) સાથે વિરોધાભાસ દર્શાવે છે, જ્યાં નાગરિકત્વ એક અથવા બંને માતા-પિતાની રાષ્ટ્રીયતા દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ ઉપરાંત ટ્રમ્પે ઇન્ટર્વ્યૂમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) અંગે કહ્યું હતું કે, તેઓ, જો સભ્ય દેશો “તેમના બિલની ચૂકવણી” નહીં કરે તો તેઓ તે અંગે “ચોક્કસ” વિચારશે.
જન્મસિદ્ધ નાગરિકત્વના મૂળ
જન્મસિદ્ધ નાગરિકત્વના મૂળ ઇંગ્લિશ (બ્રિટિશ) કોમન લોમાં શોધી શકાય છે, જે તેના “અધિકાર ક્ષેત્રમાં જન્મેલા બાળકોને નાગરિકત્વ આપે છે.” જોકે, આ સિદ્ધાંતને ખાસ તો અમેરિકન ઇતિહાસમાં વંશીય અને જાતીય ભેદભાવના સમયગાળા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 1857માં વિવાદાસ્પદ ‘ડ્રેડ સ્કોટ વિરુદ્ધ સેન્ડફોર્ડ’ ચુકાદામાં આફ્રિકન વંશના લોકોને નાગરિકત્વ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો, પછી ભલે તેઓ સ્વતંત્ર હોય કે ગુલામ. 1868માં મંજૂર કરાયેલા 14મા સુધારા દ્વારા આ ચુકાદાને અસરકારક રીતે રદ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે અમેરિકામાં જન્મેલા તમામ વ્યક્તિઓને દેશના નાગરિક તરીકે સ્વીકારવામાં આવે.
1898માં સુપ્રીમ કોર્ટના એક સીમાચિહ્નરૂપ કેસ- ‘યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વોંગ કિમ આર્ક’ના ચુકાદામાં આ સિદ્ધાંતને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો કે, અમેરિકામાં ઇમિગ્રન્ટ માતા-પિતાને ત્યાં જન્મેલા બાળકો દેશના નાગરિક છે, જેનાથી નાગરિકત્વની કલમનું મજબૂત અર્થઘટન થાય છે.
વર્તમાન કાયદાકીય માળખું
વર્તમાન અમેરિકન કાયદા હેઠળ, કેટલાક અપવાદો સાથે, દેશમાં જન્મેલા લગભગ દરેક વ્યક્તિને બર્થરાઇટ સિટિઝનશિપ લાગુ પડે છે. જે અંતર્ગત વિદેશી રાજદ્વારીઓના બાળકો અમેરિકન અધિકારક્ષેત્રને આધીન નથી અને તેથી તેમને જન્મ આધારિત નાગરિકત્વ મળતી નથી. આ ઉપરાંત પ્યુર્ટો રિકો જેવા પ્રદેશોમાં જન્મેલા લોકોને અમેરિકન નાગરિકત્વ આપવામાં આવે છે, પરંતુ અમેરિકન સમોઆમાં જન્મેલા લોકોને આ નાગરિકત્વ આપોઆપ મળતું નથી. 14મા સુધારાનો અમલ ગત સદીથીમાં સતત જાળવી રાખવામાં આવ્યો છે.