સંસદના બંને ગૃહોમાં અદાણી અને જ્યોર્જ સોરોસના મુદ્દે ધાંધલધમાલ વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન મંગળવારે સવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની નોટિસ આપી હતી. રાજ્યસભામાં અધ્યક્ષ તરીકે ધનખડ પક્ષપાત કરતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે.
કોંગ્રેસ, બંગાળની સત્તારૂઢ તૃણમૂલ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કઝગમ અને લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળના સહિત 60થી વધુ વિપક્ષી સાંસદોએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને નસીર હુસૈને રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને નોટિસ સુપરત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ છે
બંધારણીય હોદ્દા ધરાવતા કોંગ્રેસના ટોચના નેતાઓએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિવિધ વિપક્ષી પાર્ટીઓના ફ્લોર લીડર્સે પણ હસ્તાક્ષર કર્યા નથી.
જોકે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાની શક્યતા ઓછી છે, કારણ કે વિપક્ષ પાસે રાજ્યસભામાં દરખાસ્ત પાસ કરવા માટે જરૂરી સંખ્યાબળ નથી. નિયમ ધનખડને હટાવવાની દરખાસ્ત સાદી બહુમતીથી પસાર થવી જોઈએ. એટલે કે તેને 50 ટકા + એક સાંસદનું સમર્થન જરૂરી છે. તે પછી લોકસભામાં સમાન માર્જિનથી પસાર થવું જોઈએ. વિપક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી ધનખડને બરતરફ કરવામાં આવે તેવી શક્યતા નથી.