વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે અમેરિકાનું વિદેશ મંત્રાલય અને ‘ડીપ સ્ટેટ’ ભારતમાં અસ્થિરતા ફેલાવાના પ્રયાસોને સમર્થન આપે છે. જોકે આ આક્ષેપોને ફગાવી દેતા અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતનો સત્તારૂઢ પક્ષ આવા આક્ષેપો કરે છે તે નિરાશાજનક છે.
ભાજપે ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અમેરિકાના વિદેશ વિભાગ તથા જાણીતા રોકાણકારો જ્યોર્જ સોરોસ દ્વારા ફંડ પુરું પાડવામાં આવે છે તે મીડિયા ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના લેખોનો ઉપયોગ કરીને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરે છે અને ભારતના અર્થતંત્રને બરબાદ કરવાનો તથા વડાપ્રધાન મોદીની છબીને ખરડવાનો પ્રયાસ કરે છે. અહીં ઉલ્લેખની છે કે ભારતીય અધિકારીઓને $265 મિલિયન લાંચ આપવાના ન્યૂયોર્કની કોર્ટમાં ગૌતમ અદાણી અને ગ્રુપના સાત અધિકારીઓ સામેના આરોપો પછી કોંગ્રેસ સતત અદાણી મુદ્દે મોદી સરકારની ટીકા કરી રહી છે.
ભાજપે ફ્રાન્સના મીડિયાના રીપોર્ટને ટાંકીને આ આક્ષેપ કર્યા હતાં. ફ્રેન્ચ મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે OCCRPને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને જ્યોર્જ સોરોસ જેવા “અન્ય ડીપ સ્ટેટ ફિગર” દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. અમેરિકાના ડીપ સ્ટેટ તત્વો વડાપ્રધાન મોદીને નિશાન બનાવીને ભારતને અસ્થિર કરવાનો ઇરાદો ધરાવે છે. આ એજન્ડા પાછળ અમેરિકાના વિદેશ વિભાગનો હાથ છે. OCCRP ડીપ સ્ટેટ એજન્ડાને આગળ ધપાવવા માટે મીડિયા ટૂલ તરીકે કામ કરે છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે એક ફ્રેંચ ઇન્વેસ્ટિગેટિવ મીડિયા ગ્રુપે ખુલાસો કર્યો છે કે… OCCRPનું 50% ભંડોળ સીધું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી આવે છે. OCCRPએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એક સ્વતંત્ર મીડિયા ગ્રુપ છે અને કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી. અમેરિકાની સરકાર OCCRPને અમુક ભંડોળ પૂરું પાડે છે, પરંતુ અમારા રિપોર્ટિંગ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
ભારત વિરોધી અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર ચાલુ કરતાં ભાજપે રવિવારે પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે તેવા એક સંગઠન સાથે જોડાણ ધરાવે છે. આ સંગઠન કાશ્મીરને ભારતથી અલગ કરી સ્વતંત્ર દેશ બનાવવાની તરફેણ કરે છે. સોનિયા ગાંધીનું આ જોડાણ ભારતની આંતરિક બાબતોમાં વિદેશી તાકાતોનો પ્રભાવ દર્શાવે છે.
અમેરિકા ભારતમાં અસ્થિરતા લાવવાના પ્રયાસોને સમર્થન આપતું હોવાના ભાજપને દાવાને અમેરિકાએ ફગાવી દીધો હોવા થતાં પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 10 પ્રશ્નો પૂછશે. મીડિયા પોર્ટલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને જ્યોર્જ સોરોસે
ભારતને અર્થતંત્રને બરબાદ કરવા અને મોદી સરકારને બદનામ કરવા માટે વિપક્ષ સાથે સાંઠગાંઠ કરી છે.
ભાજપે જણાવ્યું હતું કે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરેલી પ્રેસ કોન્ફરન્સનું OCCRPએ જીવંત પ્રસારણ કર્યું હતું. રાહુલ ગાંધીએ આ સંગઠનની સામગ્રીને આધારે અદાણીની ટીકા કરી રહ્યાં છે. તે તેમના મજબૂત અને ખતરનાક સંબંધો સિવાય બીજું કંઈ જ દર્શાવતા નથી. તે ભારતીય અર્થતંત્રને પાટા પરથી ઉતારવાના તેમના પ્રયાસો પણ દર્શાવે છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે જ્યોર્જ સોરોસને તેમના જૂના મિત્ર તરીકે જાહેરમાં સ્વીકાર્યા છે.