મહુવાની માલણ નદીના તીરે કૈલાશ ગુરુકુળના આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મા જ્ઞાનસત્રનું તાજેતરમાં પ. પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય કાર્યક્રમમાં સાહિત્યકારોની સાહિત્ય જ્ઞાનગોષ્ઠિનું માં સુંદર પ્રસ્તુતિઓ થઈ હતી. જ્ઞાનસત્રમાં ત્રીજા દિવસે ‘આનંદક્રીડાનાં ભારતીય ઉદગાર’ વિષય સાથેની બેઠકમાં વિવિધ પ્રસ્તુતિ સાથે શ્રી હર્ષદેવ માધવ દ્વારા જણાવાયું કે કવિ માઘ એટલે પાંડિત્ય અને કવિત્વનો સુમેળ, તે લોકચેતનાનાં કવિ રહ્યાં છે. મેઘદૂત એ અડીકડી વાવ છે અને શિશુપાલ વધ એ નવઘણ કૂવા બરાબર છે. સંજય ચૌધરીનાં સંચાલન સાથેની આ બેઠકમાં સુરદાસ વિશે વાત કરતાં મૃદુલા પારીકે ભાષા નહિ તેમનો ભાવ મહત્વનો ગણાવી, કવિતામાં ભક્તિ અને ભક્તિમાં કવિતા રહ્યાનું ઉમેર્યું હતું. મિરઝા ગાલિબના સંદર્ભે શ્રી શીનકાક નિઝામનાં વક્તવ્યમાં જણાવાયું કે, સૃષ્ટિમાં શબ્દ જ કારણ છે અને સાહિત્ય એટલે શબ્દ સિવાય કશું નથી. ‘આનંદક્રીડાનાં ગુજરાતી ઉદગાર’ વિષય સાથે જ્યોતિન્દ્ર પંચોલીનાં સંચાલન સાથેની બેઠકમાં દર્શન ધોળકિયા દ્વારા મીરા વિશે, શ્રી સતીશ વ્યાસ દ્વારા ન્હાનાલાલ વિશે તથા યોગેશ શાહ દ્વારા ચંદ્રકાંત શેઠ વિશે થયેલ સાહિત્ય રચનાઓ અંગે સુંદર વાતો થઈ. આ પ્રસંગે શ્રી વિજયશીલસુરિજી મહારાજની ઉપસ્થિતિ રહી હતી.