દેશ-દુનિયામાં અસાધારણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બીએપીએસના એક લાખ કાર્યકરોનું અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂ.મહંત સ્વામી સન્માન કરશે. નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા કાર્યકરોનું સન્માન કરવાના આ અનોખા કાર્યક્રમની નોંધ દુનિયાભરમાં લેવાઇ રહી છે. આ કાર્યક્રમમાં તમામ જવાબદારીઓ કાર્યકરોએ જ માથે લઇ લીધી છે, જેને 34 ભાગમાં વહેંચવામાં આવી છે. સેવા આપતા કાર્યકરો પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંદેશાને અનુસરી કામ કરી રહ્યા છે. આ સંદેશો છે કે અભ્યાસ, નોકરી-ધંધાને લેશમાત્ર નુકસાન પહોંચાડ્યા વગર સેવાકીય કામગીરી કરવી, સમયનું આયોજન કરવું. આ સંદેશાના સંપૂર્ણ પાલન સાથે સેવાકીય કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની જાણ નરેન્દ્ર મોદીને કરાઈ ત્યારે તેમણે એવો સંદેશો આપ્યો હતો કે એક લાખ નહીં પરંતુ એક લાખ એકમાં કાર્યકર તરીકે મારી ગણતરી કરજો.

છેલ્લા એકાદ વર્ષથી દુનિયાભરમાં કાર્યકરોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવે છે. તેમના ઘરે સત્સંગના આયોજન થઇ રહ્યા છે. આ બાબતે વિસ્તૃત મહિતી આપતાં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે 1972માં બીએપીએસના કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય મુંબઇ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભારતના 8 અને 3 વિદેશી મળી કુલ 11 કાર્યકરોની નોંધણીથી આ કાર્યાલય શરૂ થયું હતું. તેની નોંધમાં પૂ.મહંત સ્વામીની સહી છે. હવે કાર્યકરોની નોંધણીને 2022માં 50 વર્ષ પૂરાં થયા. એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજી તમામ કાર્યકરો કે જેમની સંખ્યા એક લાખ કરતાં પણ વધારે થઇ ગઇ છે તેમનું સન્માન કરવાનું નક્કી થયું.

2022માં પૂ. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો, હવે બે વર્ષ બાદ 2024માં કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજવાનું નક્કી થયું છે. છેલ્લા એક વર્ષમાં એવા કાર્યકરો કે જેમની પાસે કંઇ વિશેષ જવાબદરી છે તેમનું સન્માન થઇ રહ્યું છે. આવા એક લાખ કાર્યકરો આજે નરેન્દ્ર મદી સ્ટેડિયમમાં પધારશે. ભારત ઉપરાંત 30 દેશોમાંથી કાર્યકરો ઉપસ્થિત રહેશે. સ્ટેડિયમની સફાઇ, પાર્કિંગ માટેની વ્યવસ્થા, એન્ટ્રી-એક્ઝિટ પરની સેવા, એકોમોડેશન સહિતની કામગીરી કાર્યકરો પોતાના કામધંધા અને નોકરીના સમયમાંથી સમય બચાવીને કરશે.

LEAVE A REPLY