મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે “મધ્યપ્રદેશમાં રોકાણની તકો પર ઇન્ટરેક્ટિવ સેશનમાં રાજ્યની અપ્રતિમ વૃદ્ધિ અને વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે તેની સંભવિતતા દર્શાવી ફેબ્રુઆરી 2025માં ભોપાલમાં યોજાનાર ઇન્વેસ્ટ એમપી સમિટમાં યુકેને ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું.
તેમણે એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક, છેલ્લા એક દાયકામાં ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો કરનાર સમૃદ્ધ કૃષિ ક્ષેત્ર અને 1.25 લાખ એકર જમીન બેંક દ્વારા સમર્થિત મજબૂત ઔદ્યોગિક માળખા સાથે રાજ્યના નેતૃત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે રાજ્યને “અતુલ્ય ભારતના હૃદય” તરીકે અને “પ્લગ એન્ડ પ્લે” ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર, 2,400 થી વધુ અનુપાલન નાબૂદ અને રોકાણકારોની સેવાઓના ડિજિટાઇઝેશન દ્વારા વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. યાદવે કહ્યું હતું કે “મધ્યપ્રદેશ રોકાણ માટે માત્ર એક સ્થળ નથી, તે પ્રગતિમાં ભાગીદાર છે, જે કૃષિ વ્યવસાય, રીન્યુએબલ એનર્જી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં અમર્યાદિત તકો પ્રદાન કરે છે.”
યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે “મધ્યપ્રદેશ વ્યવસાય કરવાની સરળતા માટે સતત ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આ સફળતા એ વ્યાપાર પ્રક્રિયાઓને સરળ બનાવવા અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલી જટિલ ભાગીદારી અને નવીન અભિગમોનો પુરાવો છે.”
મુખ્યમંત્રીના પ્રતિનિધિમંડળે બુધવારે યુનિવર્સિટી ઓફ વોરીકની મુલાકાત લઇ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના પગલે મધ્યપ્રદેશના શહેરોમાં રોકાણની વધુ તકોને આવરી લેવા તેઓ ગુરુવારે જર્મની જશે.