બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ સમુદાય પર થયેલા તાજેતરના હુમલાઓ અને ધાર્મિક નેતાઓની ધરપકડ અંગે ભારતીય મૂળના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત લેબર સાસંદ બેરી ગાર્ડીનર અને વિવિધ પક્ષોના સાંસદોએ તા. 2ના રોજ યુકેની સંસદમાં 25 મિનિટ સુધી આ મુદ્દો ઉઠાવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પરની હિંસા બાબતે ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીના નિવેદનની માંગ કરી હતી. ચર્ચા બાદ ફોરેન ઓફિસ મિનિસ્ટર કેથરિન વેસ્ટે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાની જાહેરાત કરી છે.
પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ અને ફોરેન ઓફિસ મિનિસ્ટર ફોર ઈન્ડો-પેસિફિક કેથરિન વેસ્ટે પ્રશ્નોના જવાબ આપતા સંસદમાં જણાવ્યું હતું કે ‘’કેટલાક હુમલાઓ કથિત રીતે રાજકીય રીતે પ્રેરિત છે અને ચિંતાનો વિષય છે. ગયા મહિને બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન હું મુખ્ય સલાહકાર પ્રોફેસર યુનુસ અને વિદેશી બાબતોના સલાહકાર તૌહિદ હુસૈનને મળી ત્યારે મારા કાર્યસૂચિમાં આ મુદ્દો ટોચ પર હતો. યુનુસ સાથેની બેઠકમાં, મેં બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના રક્ષણના મહત્વ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા મને ખાતરી આપવામાં આવી હતી કે લઘુમતી સમુદાયના લોકો માટે મદદ ઉપલબ્ધ છે. પ્રો. યુનુસ સાથે વાત કરનાર અને લઘુમતીઓના સમર્થનમાં આવાજ બનવા માટે ઢાકા પહોંચનાર યુકે પ્રથમ દેશ હતો. રાજદ્રોહના આરોપમાં જાણીતા હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત સરકારની ચિંતાથી અમે વાકેફ છીએ. યુકે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) ડેસ્ક તેના પર નજીકથી દેખરેખ રાખે છે. ઢાકા સ્થિત અમારું હાઈ કમિશન, બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે વિગતવાર ચર્ચા કરી રહ્યું છે.”
લંડનના બ્રેન્ટ વેસ્ટના સાંસદ ગાર્ડિનરે હિંદુ સમુદાયો વતી ચિંતા વ્યક્ત કરતાં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ‘’ઓગસ્ટમાં અગાઉની સરકારના પતન પછી, બાંગ્લાદેશમાં હિંસાની 2,000થી વધુ ઘટનાઓ જોવા મળી છે. મોટાભાગના લઘુમતી હિંદુ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશની વસ્તીના 10% કરતા પણ ઓછા હિંદુઓ સામે વારંવાર હિંસા થતી રહી છે. આ વર્ષની શરૂઆતમાં થયેલા રમખાણોમાં 200 લોકો માર્યા ગયા બાદ જમાત-એ-ઇસ્લામી પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ અને સૈન્ય સાથે ઉભા હોવા છતાય લઘુમતી હિંદુ અને સૂફી ધર્મ પાળતા લોકોના 20થી વધુ ધાર્મિક સ્થળોએ તોડફોડ કરવામાં આવી હતી અને તેમના ઉપાસકો પર હુમલો કરવામાં આવ્યો હતો.’’
ગાર્ડીનરે કહ્યું હતું કે ‘’શુક્રવારે જમાત-એ-ઇસ્લામી પાર્ટીના ઉગ્રવાદી જૂથોએ ચિત્તાગોંગમાં બે હિંદુ મંદિરો પર હુમલો કરી હિંદુ વસ્તી સામે સંગઠિત હિંસાનું અભિયાન ચલાવ્યું હતું. બાંગ્લાદેશ ઇસ્કોનના ભૂતપૂર્વ વડા અને અગ્રણી હિંદુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરાઇ છે અને રાજદ્રોહનો આરોપ મૂકી જામીનનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પણ મંદિરો પર હુમલો કરનાર વ્યક્તિઓમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અથવા આરોપ મૂકવામાં આવ્યો નથી. બાંગ્લાદેશની પરિસ્થિતિ સ્પષ્ટપણે છરીની ધાર પર છે ત્યારે હું પૂછું છું કે તણાવ ઓછો થાય, કાયદાનું શાસન અમલમાં આવે અને શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તેની ખાતરી કરવા માટે બ્રિટનની સરકાર બાંગ્લાદેશ સરકાર અને પ્રદેશના અન્ય ભાગીદારો સાથે ચર્ચા કરવા માટે વધુ શું કરી શકે છે?’’
શેડો ફોરેન સેક્રેટરી અને વિધામના કન્ઝર્વેટિવ સાંસદ પ્રીતિ પટેલે કહ્યું હતું કે ‘’બાંગ્લાદેશમાં આપણે જે ભયાનક હિંસા જોઈ છે તેનાથી હું ખૂબ ચિંતિત છું, અને મારા વિચારો પ્રભાવિત લોકો સાથે છે. હિંસામાં વૃદ્ધિનો વ્યાપ ઊંડો અને ચિંતાજનક છે. જીવનને બચાવવા અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત હિંસા અને સતામણીને રોકવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે. ગૃહમાં આપણા બધાના વિચારો અહીંના ડાયસ્પોરા સમુદાય અને બાંગ્લાદેશમાં અસરગ્રસ્ત લોકો સાથે છે.”
પટેલે કહ્યું હતું કે ‘’બાંગ્લાદેશમાં વર્તમાન અસ્થિરતા અને ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાનની વિદાયને જોતાં આ ઊંડી ચિંતાની ક્ષણ છે. ઘણી સરકારો હિંસાની નિંદા કરી રહી છે અને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા હાકલ કરી રહી છે. હું ભારપૂર્વક કહું છું કે હવે યુકે સરકારે તમામ પ્રયત્નો કરવા જોઈએ. ધાર્મિક નેતાની મુક્તિ માટે શું કરવામાં આવી રહ્યું છે? શું મિનિસ્ટર તે ચોક્કસ બાબતે બાંગ્લાદેશ સરકાર સાથે સરકારની સંલગ્નતાની વિગતો આપશે? શું ચર્ચાઓ થઈ? સરકારે કયા પ્રયાસો હાથ ધર્યા છે? ‘’
લંડનના હેરો ઇસ્ટના કન્ઝર્વેટીવ એમપી અને બ્રિટિશ હિન્દુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ના અધ્યક્ષ, બોબ બ્લેકમેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે “હિંદુઓ તેમના ઘરો સળગાવવાથી અને તેમના ધંધાઓમાં તોડફોડથી પીડાઈ રહ્યા છે. સંતોની ધરપકડ કરવામાં આવી છે અને મારી સમજ મુજબ વિકેન્ડમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી હતી અને 63 સાધુઓને દેશમાં પ્રવેશતા નકારવામાં આવ્યો હતો. સ્પષ્ટ મુદ્દો બાંગ્લાદેશમાંથી હિંદુઓના વંશીય સફાઇનો પ્રયાસ છે અને તેમના ધર્મના કારણે ઇરાદાપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. શું મિનિસ્ટર હિંદુઓ સામેની આ હિંસાની નિંદા કરશે? અમે ફક્ત ધર્મનિષ્ઠાના શબ્દો જ નહીં, પણ જે થઈ રહ્યું છે તેની સંપૂર્ણ નિંદા સાંભળવા માંગીએ છીએ. ધાર્મિક લઘુમતીઓને તેમના ધર્મના કારણે જાણી જોઈને અત્યાચાર ગુજારવામાં આવે છે.”
બ્રિટિશ શીખ લેબર સાંસદ ગુરિન્દર સિંઘ જોસને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’તમામ સમુદાયો પરિસ્થિતિથી ડરી ગયા છે. તેમણે મિનિસ્ટર કેથરિન વેસ્ટને યુકેના હિંદુ અને બાંગ્લાદેશી સમુદાયો સાથે આ મુદ્દા પર કોઇ વાતચીત થઇ છે કે કેમ તે વિશે પૂછ્યું હતું.’’
એલ્સબરીના લેબર સાંસદ લૌરા કર્ક-સ્મિથે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ‘’મારા ઘણા મતદારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મને હિંદુઓને દેશ છોડવાની અથવા બરબાદીનો સામનો કરવાની ધમકીઓ ધરાવતી સોશિયલ મીડિયા સામગ્રી બતાવી છે.’’
ઈલિંગ સેન્ટ્રલ અને એક્ટનના લેબર સાંસદ ડૉ. રૂપા હકે કહ્યું હતું કે ‘’બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના તમામ હુમલાઓ સામે આપણે સતર્ક રહેવું જોઈએ. દુઃખની વાત છે કે, 1971માં દેશની રચના થઈ ત્યારથી, આ પ્રકારના કોમી તણાવ થયા છે. 1974 અને 2001ની વચ્ચે, બાંગ્લાદેશમાં હિંદુ વસ્તી 13.5% થી ઘટીને 8.5% થઈ ગઈ હતી.’’
સ્ટ્રેંગફર્ડના DUP સાસંદ જિમ શેનોને કહ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં 16 દિવસમાં 2,010 લોકો અને 69 હિંદુ મંદિરો પર હુમલા સહિતની ઘટનાઓ નોંધાઇ હતી. 157 પરિવારોના ઘરો પર હુમલા, લૂંટ, તોડફોડ અથવા આગ લગાડવામાં આવી હતી અને નવ હિન્દુઓએ જીવ ગુમાવ્યો હતો. શું સરકાર ઝડપી અને નિર્ણાયક પ્રતિસાદની ખાતરી કરવા માટે યુએનમાં આ મુદ્દાઓ ઉઠાવવા અથવા સીધા રાજદ્વારી જોડાણ દ્વારા વિચારણા કરશે?
લિવરપૂલ વેવટ્રીના લેબર સાસંદ પૌલા બાર્કરે કહ્યું હતું કે ‘’મને વધતી સાંપ્રદાયિક હિંસા, અને ખાસ કરીને હિંદુ લઘુમતી પર થતા જુલમ વિશે રજૂઆતો કરાઇ છે. લઘુમતીઓ પર ધાર્મિક અને રાજકીય આધાર પર થતી હિંસા બંધ થવી જોઈએ. યુકે સરકાર આ બાબતે સંયુક્ત રાષ્ટ્રમાં શું રજૂઆતો કરી રહી છે અને શું ઢાકાની વચગાળાની સરકાર આના પર પકડ મેળવી શકે છે?’’
પોર્ટ્સમથ નોર્થના લેબર સાસંદ અમાન્ડા માર્ટિન; મિડ બકિંગહામશાયરના કોન્ઝર્વેટીવ સાસંદ ગ્રેગ સ્મિથ; બાથગેટ અને લિનલિથગોના લેબર/કો-ઓપ સાસંદ કિર્સ્ટિન સુલિવાન; બેસિંગસ્ટોકના લેબર સાસંદ લ્યુક મર્ફી; નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના લેબર સાસંદ સેમ કાર્લિંગે બાંગ્લાદેશની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.