શ્રી જગન્નાથ મંદિર મેનેજિંગ કમિટી (SJTM)એ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ને જણાવ્યું છે કે રથયાત્રા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અષાઢ મહિનામાં શુક્લ પક્ષના બીજા અને દસમા દિવસની વચ્ચે યોજવી જોઈએ.
પુરીમાં 12મી સદીના વિશ્વવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા SJTMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય રીતે જૂનના અંતમાં અથવા જુલાઇમાં યોજાતી વાર્ષિક રથયાત્રા માટે નિર્ધારિત ‘તિથિ’ કોઇ ફેરફાર ન કરવો જોઇએ.
પુરીના ગજપતિ મહારાજા દિવ્ય સિંઘા દેબે સોમવારે પુરીના રોયલ પેલેસમાં એક મીટિંગ દરમિયાન ઇસ્કોનને આ સૂચના આપી હતી. દેબ SJTMના અધ્યક્ષ પણ છે. આ બેઠકમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધી, ઇસ્કોનના ગવર્નિંગ બોડી કમિશન (GBC)ના વડા ગુરુ પ્રસાદ સ્વામી મહારાજ, ઓડિશા ઇસ્કોનના ડિરેક્ટર પ્રેમાનંદ દાસ મહારાજ સહિતના લોકોએ હાજરી આપી હતી.
બેઠક બાદ પાધીએ પત્રકારોને જણાવ્યું હતું કે ઇસ્કોનને ધાર્મિક તિથિ વગર રથયાત્રા ન યોજવા સલાહ આપવામાં આવી હતી કારણ કે તે પરંપરાની વિરુદ્ધ છે. રથયાત્રા માટેની તારીખો પવિત્ર ગ્રંથો અને લાંબા સમયથી ચાલતી પરંપરાઓ અનુસાર નિર્ધારિત થયેલી છે.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ઇસ્કોન દ્વારા રથયાત્રા યોજાયા બાદ વિવાદ ઊભો થયો હતો. જોકે, ઇસ્કોને સ્પષ્ટતા કરી હતી કે આ પ્રસંગ સંકીર્તન યાત્રા હતી.