ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લોનોવો ત્સોત્સોબે (Photo by Teaukura Moetaua/Getty Images)

સાઉથ આફ્રિકામાં મેચ ફિક્સિંગનો કિસ્સો ગયા સપ્તાહે ખુલ્લો પડ્યો હતો. દેશના ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરોની ફિક્સિંગના આરોપસર ધરપકડ કરાઈ છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લોનોવો ત્સોત્સોબે, થામસાનકા ટીસોલેકિલે અને અથી ભાલાતીની 2015-16 T20 રેમ સ્લેમ ચેલેન્જ દરમિયાન ફિક્સિંગ માટે ધરપકડ કરાઈ હતી.

અથી ભાલાતીની 18 નવેમ્બરે ધરપકડ થઈ હતી અને 28 અને 29 નવેમ્બરના રોજ ટીસોલેકિલે અને ત્સોત્સોબેની ધરપકડ થઈ હતી. DPCE ના કરપ્શન ઇન્વેસ્ટિગેશન યુનિટે તપાસ પછી આ ધરપકડો કરી હતી.

અથી ભાલાતીને પ્રિટોરિયામાં સ્પેશિયલાઇઝ્ડ કોમર્શિયલ ક્રાઇમ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. તેમનો કેસ 20 ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રખાયો છે. ટીસોલેકિલ અને ત્સોત્સોબે ​​પર પાંચ કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના કેસની સુનાવણી 29 નવેમ્બરે થઈ હતી અને હવે તે 26 ફેબ્રુઆરી 2025 સુધી મુલતવી રખાયો છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાના એન્ટી કરપ્શન ઓફિસરે મેચ ફિક્સિંગના કેસમાં ભૂતપૂર્વ ખેલાડી ગુલામ બોદીની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો ત્યારે આ ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો સામે શંકાની સોય તકાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બોદીએ ભારતીય બુકીઓ સાથે મળી આ ત્રણ ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને ટી-20 રેમ સ્લેમમાં મેચ ફિક્સ કરવા કહ્યું હતું. બોડીની જુલાઇ 2018માં ધરપકડ કરાઈ હતી અને આઠ ગુનાઓમાં તેણે દોષ કબૂલી લીધા પછી

ઓક્ટોબર 2019માં પાંચ વર્ષની જેલની સજા કરાઈ હતી.
લોનોવો ત્સોત્સોબે સાઉથ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 થી વધુ વિકેટ લઈ ચૂક્યો છે. તેણે 2009માં આફ્રિકન ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે છેલ્લી વનડે 2013માં ભારતમાં ભારત સામે રમ્યો હતો.

LEAVE A REPLY