ભારતની ટોચના ક્રમાંકની બેડમિન્ટન ખેલાડી પી વી સિંધૂએ આખરે રવિવારે સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો તાજ હાંસલ કરી લાંબા સમયના પોતાના ટાઈટલના દુષ્કાળો અંત આણ્યો હતો. પુરૂષોની સિંગ્લસમાં લક્ષ્ય સેન તથા મહિલા ડબલ્સમાં ત્રિશા અને ગાયત્રીની જોડી પણ ચેમ્પિયન રહ્યા હતા.
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી વી સિંધૂનો મહિલા સિંગલ્સની ફાઈનલમાં ચીનની વિશ્વમાં 119માં ક્રમની ખેલાડી વુ લુઓ યુ સામે 21-14, 21-16થી વિજય થયો હતો. સિંધૂનું આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનનું ત્રીજું ટાઈટલ છે. અગાઉ 2017 અને 2022માં તે ચેમ્પિયન બની હતી. બે વર્ષ પછી કોઈ મહત્વની ટુર્નામેન્ટમાં સિંધુ ચેમ્પિયન બની હતી. છેલ્લે જુલાઈ 2022માં તેણે સિંગાપોર ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. વિશ્વમાં 18માં ક્રમની ભારતીય મહિલા શટલર આ વર્ષે મલેશિયા માસ્ટર્સ સુપર 500ની ફાઈનલમાં પહોંચી હતી.
બીજી તરફ પુરૂષોની સિંગલ્સના ફાઈનલ મુકાબલામાં ભારતના જ લક્ષ્ય સેને સિંગાપોરના જિયા હેંગ જેસન તેહ સામે શાનદાર દેખાવ કરી 21-6, 21-7થી એકતરફી વિજય મેળવ્યો હતો. આ અગાઉ, લક્ષ્ય સેનનો પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચમાં પરાજય થયો હતો. પરંતુ આ ટાઈટલ વિજયથી નવી સિઝનના પ્રારંભે તેના આત્મવિશ્વાસમાં વધારો થશે.
ભારત માટે રવિવારનો દિવસ બેડમિન્ટન ક્ષેત્રે ત્રિપલ બોનાન્ઝાનો રહ્યો હતો. મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ ફાઈનલમાં ચીનની બાઓ લી જિંગ અને લિ કિયાનની જોડી સામે 21-18, 21-11થી વિજય સાથે સૌપ્રથમ સુપર 300 ટાઈટલ વિજેતા બન્યા હતા. આ ટુર્નામેન્ટમાં ત્રિશા અને ગાયત્રી મહિલા ડબલ્સ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરનારી સૌપ્રથમ ભારતીય મહિલા ટીમ બની હતી.
પુરૂષોની ડબલ્સમાં પૃથ્વી ક્રિષ્નામૂર્તિ રોય અને સાઈ પ્રતિક કેએ ચીનના હુઆંગ ડી અને લિયુ યાંગ સામે 14-21, 21-19, 17-21ની મજબૂત લડત પછી રનર્સઅપ રહ્યા હતા