સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના નેતૃત્વમાં પંજાબના ખેડૂતોના એક જૂથે 6 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરવાની હાકલ કરી હોવાથી દેશમાં ફરી ખેડૂત આંદોલન ચાલુ થવાની શક્યતા ઊભી થઈ છે. સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ વિવિધ માગણીઓ સાથે ખેડૂતોએ સોમવાર, 2 ડિસેમ્બરે દિલ્હી ચલોની શરૂઆત કરી હતી અને દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં ટ્રાફિક જોમ થયો હતો. પોલીસે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે પંજાબ, હરિયાણા અને યુપી સાથેની દિલ્હીની બોર્ડર પર બેરિકેડ લગાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોના ખેડૂતો સોમવારે રાષ્ટ્રીય રાજધાની તરફની કૂચના ભાગરૂપે નોઇડા-દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર પણ ખેડૂતોએ ધામા નાંખ્યા છે.
એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઈ સહમતિ ન બની ત્યારે ખેડૂતોએ ‘ચલો દિલ્હી’ના નારા લગાવ્યા હતાં. ખેડૂતોએ સંસદનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી.
ખેડૂત સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને 10 ટકા વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાના લાભની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત કૃષિ પેદાશોના લઘુતમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવાની, જે ખેડૂતો આંદોલનમાં સામેલ છે તેમની કૃષિ લોન માફ કરવાની, ભારતને WTOમાંથી બહાર કાઢવા તથા 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન જેવી માગણી કરી રહ્યાં છે.
ખેડૂતોની આ જાહેરાતને પગલે નોઈડા અને દિલ્હી પોલીસે તમામ બોર્ડર પર બેરિકેડિંગ કર્યું હતું. દિલ્હી-નોઈડા અને ચિલ્લા બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે પોલીસને તૈનાત કરાઈ હતી. તેનાથી સવારથી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
ભારતીય કિસાન પરિષદ (BKP), કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) જેવા અન્ય ઘણા ખેડૂત સંગઠનો સાથે મળીને દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરાઇ હતી. BKP નેતા સુખબીર ખલીફાના નેતૃત્વમાં પહેલું જૂથ 2 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે નોઈડામાં મહામાયા ફ્લાયઓવરની નીચેથી ટ્રેક્ટરમાં તેમની કૂચ શરૂ કરશે.