અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાન્યુઆરીમાં સત્તા છોડતા પહેલા પોતાના પુત્ર હંટર બાઇડનને બે ગુનાહિત કેસોમાં માફ કરવાની સોમવારે જાહેરાત કરી હતી. હંટર બાઇડન સામે ગન બેકગ્રાઉન્ડ ચેકિંગ દરમિયાન જુઠ્ઠું બોલવાનો, ગેરકાયદે રીતે શસ્ત્રો રાખવાનો અને ફેડરલ ટેક્સ સંબંધિત આરોપો હતાં.
જો બાઇડને જણાવ્યું હતું કે આજે મેં મારા પુત્ર હન્ટર માટે માફીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. મેં પદ સંભાળ્યું તે દિવસથી મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગની નિર્ણય પ્રક્રિયામાં દખલ કરીશ નહી અને મેં મારા પુત્ર સામે અન્યાયી કાર્યવાહી જોયા પછી પણ મેં મારું વચન નિભાવ્યું હતું.
હન્ટર બાઇડન સામે ખોટા નિવેદનો અને બંદૂક રાખવાના કેસમાં બુધવારે સજા થવાની હતી. સપ્ટેમ્બરમાં તેને ડ્રગ્સ, સેક્સ વર્કર્સ અને લક્ઝરી આઈટમ્સ પર ખર્ચ વખતે $1.4 મિલિયન ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહેવાના ફેડરલ આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 16 ડિસેમ્બરે સજા થવાની હતી.