(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ગોવિંદા, અક્ષયકુમાર અને પરેશ રાવલ અભિનિત ફિલ્મ ‘ભાગમભાગ’ને ખૂબ જ સફળ કોમેડી માનવામાં આવે છે. 2006માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મની સીક્વલ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, આથી 18 વર્ષના લાંબા સમય પછી અક્ષયકુમાર અને ગોવિંદા સાથે કામ કરતા જોવા મળે તેવી સંભાવના છે.

‘ભાગમભાગ’ની રિલીઝ થઈ ત્યારે સોશિયલ મીડિયાનો વર્ચસ્વ નહોતું. સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી ટ્રેન્ડ બદલાતા રહે છે ત્યારે ‘ભાગમભાગ’ની વીડિયો ક્લિપ સતત વાયરલ થતી રહે છે. પરિસ્થિતિ મુજબ આ ફિલ્મની શોર્ટ્સ બનાવીને તેને વાયરલ કરવાનું આજની પેઢીને પણ ગમે છે. પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને કોમેડી જોનરમાં અક્ષયકુમારની ‘હેરાફેરી’ અને ‘વેલકમ’ સમકક્ષ માનવામાં આવે છે.

‘હેરાફેરી’ અને ‘વેલકમ’ની સીક્વલ્સ બની છે અને હજુ બનશે. પરંતુ ‘ભાગમભાગ’ની સીક્વલ હજુ બની નથી. આ ફિલ્મના રાઈટ્સ શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસે છે. સરિતા વર્દેએ આ રાઈટ્સ ખરીદી લીધા છે અને સ્ક્રિપ્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. રોરિંગ રિવર પ્રોડક્શન્સ અને શેમારૂ એન્ટરટેઈનમેન્ટ ‘ભાગમભાગ 2’ બનાવષે. સરિતા વર્દેના પતિ અશ્વિન વર્દે અગાઉ બોસ, મુબારકન, કબીરસિંગ, ઓહ માય ગોડ 2 અને ખેલ ખેલ મેં જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ જાન્યુઆરી સુધીમાં ફાઈનલ થઈ જશે. જૂન 2025 આસપાસ ફિલ્મને ફ્લોર પર લઈ જવાનું આયોજન છે. ‘ભાગમભાગ’ કરતાં પણ વધારે કોમેડી સાથે સીક્વલને રિલીઝ કરવાનો ઈરાદો પ્રોડ્યુસર્સે જાહેર કર્યો છે. અક્ષયકુમાર અને ગોવિંદાની સાથે પરેશ રાવલને પણ તેમાં યથાવત રખાય તેવી શક્યતા છે. સીક્વલના દિગ્દર્શક અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

LEAVE A REPLY