આણંદમાં એક પરિણિત મહિલા પર કથિત રેપ કરવાના આરોપમાં ભાગતા ફરતા ભાજપના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિની પોલીસે આખરે ધરપકડ કરી હતી. રેપના કેસ નોંધાતાની સાથે જ દીપુ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો. દીપુ પ્રજાપતિ છેલ્લા 14 દિવસથી ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. આ ઘટના પછી ભાજપે દિલીપ પ્રજાપતિને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો.
આણંદ નગર પાલિકાના વોર્ડ નં. 6 ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિ રાત્રિનાં સુમારે સીખોડ તલાવડી વિસ્તારમાં 35 વર્ષની એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં અને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે પરિણીતાના બે સંતાનો પણ ઘરમાં સૂઈ રહ્યા હતાં. કાઉન્સિલરે પરિણીતાનું મોંઢું દબાવીને બળજબરી કરી હતી. આ ઘટનાને લઇને લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતીને મેથીપાક આપતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.