બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે વડાપ્રધાન એન્થોની આલ્બેનિઝે સંસદમાં યજમાની કરી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન પ્રોટોકોલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ ટીમના અન્ય સાથી ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો.
વડાપ્રધાન આલ્બેનિઝે પ્રથમ ટેસ્ટમાં સારો દેખાવ કરનાર ભારતીય પેસર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન વિરાટ કોહલીના વખાણ કર્યા હતા. આલ્બેનિઝે ઓસ્ટ્રેલિન સંસદમાં બેઠક બાદ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ સપ્તાહે માનુકા ઓવલ ખાતે પીએમ ઈલેવન સમક્ષ ભારતીય ટીમ મજબૂત પડકાર રજૂ કરશે.
આલ્બેનીઝના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર મીટિંગની તસવીરો પોસ્ટ કરાઈ હતી. આલ્બેનીઝે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો સંદેશ પણ જાહેર કર્યો અને કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયનોનું સમર્થન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “આ અઠવાડિયે મનુકા ઓવલ ખાતે PM’s XI માટે એક ભારતીય ટીમ સામે મોટો પડકાર છે. પરંતુ મેં PM નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, હું કામ પૂર્ણ કરવા માટે ઑસ્ટ્રેલિયાનું સમર્થન કરું છું,”
આલ્બેનિસે જસપ્રિત બુમરાહને કહ્યું કે તેની શૈલી કોઈપણ કરતા ઘણી અલગ છે અને તેના પ્રયત્નો માટે તેની પ્રશંસા કરી હતી.