FILE PHOTO: REUTERS/Go Nakamura/File Photo

અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના વડોદરા મૂળના પેન્ટાગોનના અધિકારી કશ્યપ ‘કાશ’ પટેલને FBI ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા છે. ટ્રમ્પના વફાદાર કશ્યમ પટેલ યુએસ સરકારમાં “ડીપ સ્ટેટ” તોડી પાડવાના હિમાયતી રહ્યા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “કાશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર છે, જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ગાળી છે.” ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કશ્યપ પટેલના યોગદાનની પ્રશંસા પણ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમણે “રશિયાની હોક્સ”ને બહાર લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કશ્યપ પટેલનું નોમિનેશન દર્શાવે છે કે ટ્રમ્પના એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેથી નારાજ છે, જેમની તેમણે 2017માં નિમણૂક કરી હતી. 44 વર્ષીય કશ્યપ પટેલે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ એફબીઆઈ આમૂલ ફેરફારોની લાવવા માગે છે.

કાશ પટેલનો જન્મ ન્યૂયોર્કના ક્વીન્સમાં પૂર્વ આફ્રિકામાંથી સ્થળાંતર કરીને આવેલા ગુજરાતી મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. કાયદાની ડિગ્રી મેળવ્યા પછી પટેલે ફ્લોરિડામાં પબ્લિક ડિફેન્ડર તરીકે કામ કર્યું હતું તથા રાજ્ય અને ફેડરલ કોર્ટમાં અસીલોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં પ્રોસિક્યુટર તરીકે જોડાયા હતાં તથા પૂર્વ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં હાઈ-પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય આતંકવાદના કેસો લડ્યા હતાં.

તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં સિવિલ લોઅર તરીકે જોડાયા ત્યારે તેમની કારકિર્દીએ વળાંક આવ્યો હતો. ત્યાં તેમણે સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ સાથે સહયોગ કર્યો હતો અને વૈશ્વિક આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની કામગીરીથી હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના તત્કાલીન અધ્યક્ષ કોંગ્રેસમેન ડેવિન નુન્સનું પ્રભાવિત થયા હતા અને તેમને આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

કશ્યપ પટેલ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પ્રસિદ્ધિ બન્યા હતા અને હાઉસ રિપબ્લિકન્સની એફબીઆઈ દ્વારા રશિયાની તપાસના સંચાલન અંગેની તપાસનો ભાગ હતા. તેમણે વિવાદાસ્પદ GOP મેમોનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ટ્રમ્પના 2016ના પ્રેસિડન્ટ ચૂંટણી પ્રચારમાં FBIની તપાસમાં પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ન્યુ યોર્ક ટાઈમ્સે તેને “કાશ મેમો” ગણાવ્યો હતો. આ દસ્તાવેજ રશિયાની તપાસ પર બે પક્ષોની લડાઈમાં મોટો મુદ્દો બન્યો હતો.

LEAVE A REPLY