ટીવી, વેબસીરિઝ અને ફિલ્મોમાં જોવા મળતા નાના-મોટા કલાકારોની જીવનશૈલીનો દર્શકો પર ઘણો પ્રભાવ હોય છે. દર્શકો તેમના વ્યક્તિગત જીવન વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે. મોટાભાગના લોકો તો તેમના વૈભવી જીવન વિશે હંમેશા વિચારતા હોય છે. પરંતુ એવું કહેવાય છે કે, આ કલાકારો પણ તેમના કામની સાથે સામાન્ય લોકો જેવો જ સંસાર અને પરિવારિક પળોને માણવાની ઇચ્છા રાખતા હોય છે. કોઈપણ સામાન્ય દંપતીની જેમ તેઓ સુખ-દુ:ખમાં એકબીજાના ભાગીદાર બનવા ઇચ્છતા હોય છે. જોકે, આ ફિલ્મ-ટીવીના આ ગ્લેમરસ ક્ષેત્રમાં કેટલાક દંપતીઓ વચ્ચેના વિવાદ ખૂબ જ જાણીતા પણ છે. અહીં ટીવી પડદાના એવા કેટલાક કલાકાર દંપતીઓના સફળ સાંસરિક જીવન વિશે વાત કરવામાં આવી છે.
શ્રધ્ધા આર્ય-રાહુલ નાગલ
લોકપ્રિય ધારાવાહિક ‘કુંડલી ભાગ્ય’ને કારણે ખૂબ જ જાણીતી બનેલી અભિનેત્રી શ્રધ્ધા આર્યનો પતિ રાહુલ નાગલ ભારતીય નૌસેનામાં ફરજ બજાવે છે. તે કહે છે કે જ્યારે પતિ-પત્નીમાંથી કોઈ એક ઘણો સમય માગી લેતા વ્યવસાયમાં કાર્યરત હોય ત્યારે અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન રાખવાનું મહત્ત્વ હોય છે. આ સંતુલન ત્યારે જ જળવાય જ્યારે પતિ-પત્ની વચ્ચે અતૂટ સમજણ હોય. અમે બંને એકબીજાના કામની પ્રતિબધ્ધતાને સમજીએ છીએ તેથી અમારા સંબંધોમાં અનુકૂળતા છે. અમે હમેશાં એકમેકને સહયોગ આપીએ છીએ. શ્રદ્ધા એક ઉદાહરણ આપતાં કહે છે કે, મારે એક વખત એક એવોર્ડ સમારંભમાં ભાગ લેવાનો હતો. એ વખતે જ અમારા ઘરે પણ એક મહત્વના કાર્યક્રમનું આયોજન થયું હતું. હું કોઈપણ ભોગે કાર્યક્રમ છોડી શકું તેમ નહોતી. અહીં જ મને રાહુલની સમજદારીનો પરિચય મળ્યો. તેણે મને એવોર્ડ ફંકશનમાં જવાની મંજૂરી આપી અને ઘરના કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કરવા સાથે તેણે મહેમાનોને પણ સારી રીતે સંભાળ્યા હતા. તે કહે છે કે દરેક દંપતીમાં હોય એમ અમારી વચ્ચે પણ ક્યારેક મતભેદ થાય છે. આવા વખતે અમે બંને પોતપોતાનો પક્ષ રાખીએ છીએ. મારા મતે અણગમતી વાતો ઝડપથી ભૂલી જવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે દરેક મુદ્દે વાતચીત થાય, ન ગમતી વાતો વિશે સ્પષ્ટતા થાય એ જરૂરી છે. અમારી વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો સેતૂ મજબૂત બને તેની કાળજી પણ રાખીએ છીએ, જેના કારણે અમારું દામ્પત્ય જીવન સફળ છે.
રોહિતાશ્વ ગૌર-રેખા
લોકપ્રિય સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’માં ‘તિવારીજી’ની ભૂમિકા ભજવનાર રોહિતાશ્વ ગોર પોતાના સફળ દામ્પત્ય જીવનનો શ્રેય માત્ર પોતાની પત્નીને નહીં પરંતુ સાસુને પણ આપે છે. તે કહે છે કે મારી પત્ની એક મેડિકલ રીસર્ચ ઇન્સ્ટિટયુટમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. અમારા બાળકો નાના હતાં ત્યારે મારી પાસે કોઇ ખાસ કામ નહોતું તેથી હું ઘરમાં જ વધુ સમય વિતાવતો. તે વખતે મારા સાસુ અમારા ઘરે આવતાં અને અમે બંને મળીને ઘર તેમ જ બાળકોને વ્યવસ્થિત રીતે સંભાળી લેતાં. જ્યારે હવે મારી પત્નીએ સેવાનિવૃત્તિ લઈ લીધી છે અને તે ઘર-બાળકોને સંભાળે છે. હજુ પણ મારા સાસુ ઘણીવાર અમારા ઘરે આવી જાય છે. તે વધુમાં કહે છે કે મારી પત્ની ઉચ્ચ શિક્ષિત હોવાથી તે ઘર સંભાળવા સાથે બેંકિંગ કામ, પ્રોપર્ટીનું કામ પણ સંભાળી લે છે. જ્યારે અમે અમારું કોઈ ઘર ભાડે આપીએ ત્યારે તેના કોન્ટ્રાક્ટ સાઇન કરવા જેવા કામો પણ તે યોગ્ય રીતે સંભાળે છે. રોહિતશ્વ વધુમાં કહે છે કે પતિ-પત્ની એક રથના બે પૈંડા સમાન હોય છે અને બંને પૈડાં વચ્ચે યોગ્ય સંતુલન હોય તો સંસારનો રથ સારી રીતે ચાલે. અમારા સંબંધોમાં જળવાયેલા સંતુલનને કારણે અમારો સંસાર સારી રીતે ચાલી રહ્યો છે.
રાજેશ કુમાર-માધવી
ટીવી શોમાં ‘રોસેશ’ તરીકે જાણીતો બનેલો અભિનેતા રાજેશ કુમાર અને તેની પત્ની માધવી પણ સામાન્ય દંપતી જેવું સાંસારિક જીવન વિતાવવામાં માને છે.
પોતાનો ઘરસંસાર સરસ રીતે ચાલી રહ્યો છે, પોતાને ઘર સંભાળવાની વધુ ચિંતા નથી તેનો યશ પત્ની માધવીને આપતાં રાજેશ કહે છે કે હું શૂટિંગમાં વ્યસ્ત હોઉં ત્યારે તે ઘર અને બાળકોનું તમામ કામ વ્યવસ્થિત રીતે સંભાળી લે છે. એ જે રીતે અમારું ઘર ચલાવી રહી છે તે જોતાં હું એકદમ નિશ્ચિંત બનીને મારું કામ કરી શકું છું. મારા મતે સંબંધો જાળવવા સૌથી પહેલા માનસિક સંતુલન જાળવવું જરૂરી છે અને તેને માટે કામનું ટેન્શન કામના સ્થળે જ છોડી આવવું જોઈએ. તે વધુમાં કહે છે કે ક્યારેક અમારી વચ્ચે પણ મતભેદ થઈ જતી હોય છે. પરંતુ અમે તરત જ પોતાની જીભ પર અંકુશ મૂકી દઈએ છીએ, અમારા સાદ ઊંચા ન થાય તેની કાળજી લઈએ છીએ અને શાંતિથી વાતચીત દ્વારા સમસ્યા ઉકેલીએ છીએ.
મોનાલિસા-વિક્રાંત સિંહ
ટીવી અને ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાલીસા તેના અભિનેતા પતિ વિક્રાંત સિંહ અંગે કહે છે કે તેમણે મને હમેશાં પ્રેમ, સન્માન અને સલામતીની અનુભૂતિ કરાવી છે. અમે 2009માં પ્રથમવાર ‘દુલ્હા અલબેલા’ના સેટ પર મળ્યાં હતાં. ટૂંક સમયમાં જ અમારી કેમેસ્ટ્રી એવી જામી ગઈ કે ત્રણ મહિનામાં તો અમે એક છત હેઠળ રહેવા લાગ્યાં. અમે લગભગ નવ મહિના સુધી લિવ-ઈન-રીલેશનશીપમાં રહ્યાં. મહત્વની વાત એ છે કે અમારા સંબંધના પ્રારંભિક સમયમાં જ વિક્રાંત મને તેના ગામ લઈ ગયો હતો. આ પગલું કોઈપણ યુવક ત્યારે જ ભરે જ્યારે તે પોતાના સંબંધ પ્રત્યે ગંભીર હોય. તે પોતાનો ‘બિગ બોસ’ રીઆલિટી શો દરમિયાનના સમયને યાદ કરતાં કહે છે કે, ત્યાં અમારા લગ્ન વિશે ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યાં હતાં. બધાને એમ લાગતું હતું કે અમારા લગ્ન જીવનનો સમયગાળો બહુ ટૂંકો હશે. પરંતુ આજે અમારા લગ્નને સાત વર્ષ થઈ ગયા છે. અમારા મતે લગ્નજીવનને સારી રીતે ચલાવવા પતિ-પત્નીએ એકસમાન પ્રયાસો કરવા જોઈએ. વિક્રાંત મારા માટે સુરક્ષા કવચ સમાન છે. અમારી વચ્ચે ક્યારેક ખટરાગ પેદા થાય છે પણ મુશ્કેલ સમયમાં એકબીજા માટે અડીખમ બનીને ઊભા રહીએ છીએ. આ સમજણે અમારું દામ્પત્ય જીવન સુખી રાખ્યું છે.