ગુજરાતમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા રાજ્ય સરકારે વધુ એક ર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી લેવાની રહેશે.
રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.
આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા એવી રજૂઆતો મુખ્ય પ્રધાન સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્ય પ્રધાને એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.