જાણીતી ચા કંપની ટાયફૂનો બિઝનેસ ઘોંચમાં પડતાં તેને એક વેપ કંપની દ્વારા હસ્તગત કરાશે. જાણીતી સુપ્રીમ કંપની યુકેમાં ઈ-સિગારેટ બ્રાન્ડ્સ 88 વેપ અને એલ્ફબારનું વેચાણ કરે છે, તેણે તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તે, બ્રિટનની સૌથી જૂની ચા કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાયફૂને ખરીદવા માટે મંત્રણા કરી રહી છે.
ટાયફૂએ ગત બુધવારે નોટિસ દાખલ કર્યાના કલાકોમાં જ આ જાહેરાત કરી હતી કે, તેણે તેનું દેવુ ચૂકવવા માટે વિકલ્પો શોધવાના બે અઠવાડિયાના પ્રયાસો પછી વહીવટદારોની નિમણૂક કરી હતી. આ કંપની અગાઉ નિગેલા લોસન અને બેન ફોગલ અભિનિત જાહેરાતો દર્શાવી હતી, તેણે આ મહિનાની શરૂઆતમાં વહીવટદારોની નિમણૂક કરવા માટે નોટીસ દાખલ કરી હતી. જોકે, અગાઉ EYના વહીવટદારોની નિમણૂક કર્યા પછી, કંપનીએ તેના બદલે હરીફ ક્રોલની નિમણૂક કરવાનું નક્કી કર્યું હતું.
ક્રોલએ જણાવ્યું હતું કે, ટાયફૂએ “સપ્લાય ચેઇનમાં અડચણ અને તેના વેચાણ પછીની સર્વિસમાં વિવિધ મુશ્કેલીઓના પરિણામે રોકડની નોંધપાત્ર અછતનો સામનો કર્યો હતો.”
ક્રોલના પ્રવક્તાએ કહ્યું હતું કે, “કંપની બિઝનેસ અને મિલકતના વેચાણની સંભાવના શોધી રહી છે, જેની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે. “વહીવટી પ્રક્રિયાથી ટાયફૂ ટી સુરક્ષિત થઇ ગઇ છે, જે સંયુક્ત વહીવટદારો બિઝનેસને બચાવવા માટે વેચાણને અંતિમ સ્વરૂપ આપી શકે છે.”
ટાયફૂની સ્થાપના 1903માં બર્મિંગહામના કરિયાણાના વ્યાપારી જોન સમનરે કરી હતી, તે એક સમયે યુકેની ચાની અગ્રણી બ્રાન્ડ હતી.
જોકે, દેશમાં થોડા વર્ષોથી ચાના વેચાણ સામે પડકારોમાં વધારો થયો છે, કારણ કે ઘણા બ્રિટિશ લોકો કોફી, એનર્જી ડ્રિંક્સ અને બબલ ટી જેવા નવા પીણાંને પીવાનું શરૂ કર્યું છે.