રાજસ્થાનના અજમેર ખાતેની પ્રખ્યાત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની નીચે હિન્દુ મંદિર હોવાનો દાવો કરતી હિન્દુ પક્ષની એક અરજીને સ્થાનિક અદાલતે સ્વીકારી હતી અને સંબંધિત પક્ષકારોને નોટિસ આપી હતી. હિન્દુ પક્ષે અહીં પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો.
કોર્ટે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય, અજમેર દરગાહ સમિતિ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ પાઠવી હતી. આ તમામને આ મામલામાં પક્ષકાર બનાવવામાં આવ્યાં હતા. આ કેસની વધુ સુનાવણી 20 ડિસેમ્બરે થશે.
આ અરજી હિન્દુ સંગઠનના વિષ્ણુ ગુપ્તાએ કરી હતી. અરજદારનો દાવો છે કે અહીંયા મહાદેવ મંદિર આવેલુ છે, માટે સમગ્ર દરગાહનો વૈજ્ઞાાનિક સરવે કરવા માટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને આદેશ આપવામાં આવે. ભારતમાં ઘણા સ્થળો પર મંદિર મસ્જિદ વિવાદ ચાલુ થયો છે.
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ઉકળતા તણાવ વચ્ચે આ ગતિવિધિ જોવા મળી હતી. સંભલમાં મુઘલ-યુગની શાહી જામા મસ્જિદનો સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચારના મોત થયા હતા. સંભલમાં પણ હિંદુ જૂથોએ દાવો કર્યો હતો કે 1529માં એક હિંદુ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ બનાવવા માટે મંદિરો તોડી પાડવામાં આવ્યા હોવાના હિંદુ જૂથોના દાવા અંગે વારાણસી અને મથુરાની અદાલતોમાં પણ સમાન કાર્યવાહી ચાલી રહી છે.