ચેરિટી લેપ્રાએ આંતરરાષ્ટ્રીય દિવસ, ગિવિંગ ટ્યુઝડેને ‘ગિવિંગ શૂઝડે’ તરીકેની ઓળખ આપી લોકોને રક્તપિત્તનો ભોગ બનેલા દર્દીઓ માટે રક્ષણાત્મક ફૂટવેરની સખાવત કરવા અપીલ કરી છે.

રક્તપિત્તના મુખ્ય લક્ષણોમાંનું એક ચેતા (નર્વ)ને થતું નુકસાન છે. એટલે કે અસરગ્રસ્ત લોકો પોતાને થતી પીડા અનુભવી શકતા નથી. જેને કારણે તેમને દાઝવાથી, કાપો પડવાથી, અલ્સર અને ઇજાઓ થવાની ખબર પડતી નથી. જે સંભવિતપણે હાથ અને પગને ગંભીર નુકસાન પહોંચાડે છે અને પરિણામે કાયમી અપંગતા આવે છે. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ (LF) પગ અને પગમાં ગંભીર સોજો લાવી શકે છે, જે સામાન્ય જૂતા પહેરવાનું મુશ્કેલ બનાવે છે.

લેપ્રાના રક્ષણાત્મક જૂતા સ્વ-સંભાળના આવશ્યક તત્વ તરીકે સેવા આપે છે. જે ઈજા અને હલનચલન સામે રક્ષણ પૂરું પાડે છે. સાથે રક્તપિત્ત અને એલએફની સામાજિક અને ભાવનાત્મક અસરને દૂર કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લેપ્રાના કોર્પોરેટ પાર્ટનરશીપ મેનેજર, મેટ લવલોક ઓક્ટોબરમાં તેમનું દાન કેવી રીતે નબળા લોકો માટે જીવન બદલી નાખતા ફૂટવેર પ્રદાન કરવામાં મદદ કરે છે તે જોવા બિહારની મુલાકાતે ગયા હતા અને રામાનેજર લેપ્રસી સેટલમેન્ટમાં તેઓ 60 વર્ષીય વિધવા માલતીને મળ્યા હતા.

તેમણે કહ્યું હતું કે “સંરક્ષણાત્મક પગરખાં વિના, ચાલવું એ માલતી માટે પીડાદાયક અને જોખમી હતું પરંતુ લેપ્રાના કસ્ટમ-મેઇડ શૂઝને કારણે, તે આરામથી ચાલી શકે છે.”

જીવન બદલી નાખતા જૂતાની જોડીની કિંમત £6.50 છે. ગયા વર્ષે ગિવિંગ શૂઝડે અપીલ બાદ લેપ્રા 29,952 જોડી રક્ષણાત્મક ફૂટવેર પ્રદાન કરવામાં સક્ષમ બન્યું હતું.

લેપ્રા વિશે વધુ માહિતી માટે જુઓ www.lepra.org.uk

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments