એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણના આમુખ ‘સમાજવાદી’, ‘સેક્યુલર’ શબ્દોનો ઉમેરો કરતાં બંધારણમાં 1976 કરવામાં આવેલા સુધારાને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી.
મુખ્ય ન્યાયધીશ ચુકાદામાં જણાવ્યું હતું કે રિટ પિટિશનની વધુ વિચાર-વિમર્શ અને ચુકાદાની જરૂર નથી. બંધારણમાં સુધારો કરવાની સત્તા આમુખ સુધી વિસ્તરે છે. આટલા વર્ષો પછી સુધારાની પ્રક્રિયા રદ કરી શકાય નહીં. ઘણા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો શા માટે ઉભો કરવો જોઇએ?”
અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો 25 નવેમ્બર સુધી મોકૂફ રાખ્યો હતો. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય લોકોએ આ અરજીઓ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે 1976માં ઈન્દિરા ગાંધી સરકારે ઇમર્જન્સી દરમિયાન બંધારણમાં 42મો સુધારો કર્યો હતો અને બંધારણના આમુખમાં ‘સમાજવાદી’, ‘સેક્યુલર’ અને ‘અખંડિતતા’ શબ્દોનો ઉમેરો કર્યો હતો. મૂળ બંધારણમાં બિનસાંપ્રદાયિક જેવા આ શબ્દો ન હતાં. આ સુધારાને કારણે આમુખમાં ભારતનું વર્ણન ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’માંથી બદલાઇને ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક’ થયું હતું. સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 25 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધી દેશમાં કટોકટી જાહેર કરી હતી.
આ મામલો લાર્જર ખંડપીઠને રિફર કરવાની અરજદારની માગણી ફગાવી દેતા ખંડપીઠે જણાવ્યું હતું કે ભારતીય સંદર્ભમાં ‘સમાજવાદ’ને ‘કલ્યાણકારી રાજ્ય’ તરીકે જોવામાં આવે છે. ભારતમાં સમાજવાદ શબ્દ બીજા દેશો કરતાં અલગ છે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ ‘સમાજવાદ’ અને ‘સાંપ્રદાયિકતા’ની વિભાવનાઓની વિરુદ્ધમાં નથી, પરંતુ આમુખમાં તેમના સમાવેશનો વિરોધ કરે છે.