બેસ્ટવે ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ લોર્ડ ઝમીર ચૌધરી CBE SI Pk અને બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે ગયા અઠવાડિયે લંડનના પાર્ક રોયલમાં બેસ્ટવે ગ્રૂપની હેડ ઑફિસમાં ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ (DofE)ને £100,000નો ચેક અર્પણ કર્યો હતો. આ નોંધપાત્ર યોગદાન સમગ્ર યુકેમાં યુવાનોના જીવનમાં ફરક પાડતી પ્રભાવશાળી સખાવતી પહેલને સમર્થન આપવા માટે બેસ્ટવેની ચાલુ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
ચેક પ્રેઝન્ટેશનમાં ધ ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રુથ માર્વેલ OBE; ફિલાન્થ્રોપીના વડા લૌરા પુડફૂટ-નાગ્સ અને વરિષ્ઠ રિલેશનશિપ મેનેજર ક્લેર હેરિસ અને બેસ્ટવે ગ્રુપના ચેરમેન સર અનવર પરવેઝ OBE H Pk અને બેસ્ટવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
દાનની આ રકમ બેસ્ટવેના જૂન 2024માં યોજાયેલ વાર્ષિક એસ્કોટ ચેરિટી રેસ ડેમાં એકત્ર કરવામાં આવી હતી. છેલ્લા 31 વર્ષથી દર વર્ષે કંપની ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા માટે એસ્કોટ ખાતે ચેરિટી રેસ ડેનું આયોજન કરે છે. આ ઇવેન્ટ્સ દ્વારા 27થી વધુ સખાવતી સંસ્થાઓએ લાભ મેળવ્યો છે.
લોર્ડ ચૌધરીએ આ અંગે કહ્યું હતું કે“અમારો વાર્ષિક ચેરિટી રેસ ડે અમારા પરિવાર દ્વારા ધ ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ જેવી મહાન સંસ્થાઓ માટે અમારા ચાલુ ચેરીટી કાર્યને મજબૂત બનાવે છે. અમે 30 વર્ષ કરતા વધુ સમયથી ધ ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ સાથે કામ કર્યું છે. અમારી પાસે ગોલ્ડ પાર્ટનરનો દરજ્જો છે. તે ચેરિટી આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરે છે તે અવિશ્વસનીય કાર્યનો અમે અનુભવ કર્યો છે.’’
બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે કહ્યું હતું કે “અમને ધ ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડના કાર્યને સમર્થન આપતા આનંદ થાય છે. વાર્ષિક એસ્કોટ ચેરિટી રેસ ડે એ માત્ર એક રીત છે જેના દ્વારા બેસ્ટવે ફાઉન્ડેશન સમાજને કઇંક પાછું આપે છે.’’
DofEના ફંડરેઇઝીંગ ડાયરેક્ટર એલેક્સ મેકડોવેલે કહ્યું હતું કે “DofE ના મહત્વપૂર્ણ કાર્યને સમર્થન આપવા માટે આ અતિ ઉદાર દાન પ્રાપ્ત કરીને અમને આનંદ થાય છે. એકત્ર કરાયેલ નાણાં ચેરિટીના રિઝિલિયન્સ ફંડને સમર્થન આપશે જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા યુવાનોને મફત DofE સ્થાનો, બર્સરી અથવા વધારાની સહાય આપવામાં મદદ કરશે.’’
લોર્ડ ચૌધરીએ કહ્યું હતું કે “અમે અહીં બેસ્ટવેમાં જે કરીએ છીએ તેના મૂળમાં ચેરિટી છે. અમે અમારી સામાજિક જવાબદારી માટે અત્યંત સમર્પિત છીએ અને અમે સમુદાયોને પરત આપવા માટે અવિશ્વસનીય રીતે પ્રતિબદ્ધ છીએ.”
બેસ્ટવે ફાઉન્ડેશને ચેરિટી, હોસ્પિટલો અને શાળાઓ, યુનિવર્સિટીઓ સહિત સખાવતી કાર્યો માટે £35 મિલિયનનું કુલ દાન આપ્યું છે.