બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે 25 નવેમ્બરે ચિત્તાગોંગ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરાઈ હતી. ઇસ્કોન મંદિરે જણાવ્યું હતું કે ચિન્મય પ્રભુની કથિત રીતે ઢાકા પોલીસની ડિટેક્ટીવ શાખાના અધિકારીઓએ ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારના પતન પછી હિન્દુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. શુક્રવારે જ તેમણે રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધિત કરી હતી.
ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે વિદેશ પ્રધાન એસ જયશંકર અને ઢાકામાં ભારતીય હાઈ કમિશનને ટેગ કરીને પોસ્ટ કરી હતી કે “મને હમણાં જ આઘાતજનક સમાચાર મળ્યા કે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી, એક હિંદુ સાધુ અને આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશી લઘુમતીઓનો ચહેરો અને નેતાની ઢાકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કૃપા કરીને ધ્યાન આપો.”
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિંદુઓ નિશાના પર છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના મહેરપુરના ખુલનામાં સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ હુમલાના મુદ્દે ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ચિન્મય પ્રભુએ કહ્યું હતું કે, ‘ઘણા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા થઈને ભારતમાં ભાગી રહ્યા છે.’