ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઇ રહેલી બોર્ડર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે રવિવારે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે વિજય માટે 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેથી ભારત આ મેચમાં મજબૂત પકડ મેળવી હતી.
ભારત તરફથી વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો હતી. કોહલી અને યશસ્વી જયસ્વાલ (161 રન)ની સદીના આધારે ભારતે 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો.કોહલીએ 143 બોલમાં આઠ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.
ઉસ્માન ખ્વાજા 3 રન સાથે અણનમ હતો, જ્યારે માર્નસ લાબુશેન 3, કેપ્ટન પેટ કમિન્સ 2 અને નાથન મેકસ્વીની ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.ભારત તરફથી ફાસ્ટ બોલર કેપ્ટન જસપ્રીત બુમરાહે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ઇનિંગ્સમાં જયસ્વાલ-કોહલી ઉપરાંત નીતિશ રેડ્ડી 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વોશિંગ્ટન સુંદરે 29 રન, દેવદત્ત પડિકલે 25 રન અને કેએલ રાહુલે 77 રન બનાવ્યા હતા. નાથન લાયનને 2 વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 172 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. જયસ્વાલે 90 રનથી અને કેએલ રાહુલે 62 રનથી ઇનિંગને આગળ ધપાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગમાં 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 150 રન બનાવ્યા હતાં