અમેરિકામાં આગામી ટ્રમ્પ સરકારના સંભવિત ઊંચા ટેરિફનો સામનો કરવા ચીને ગુરુવારે તેના નિકાસ ક્ષેત્રને સમર્થન આપવા માટે સંખ્યાબંધ નવા નીતિવિષયક પગલાંની જાહેરાત કરી હતી. અમેરિકી પ્રમુખ તરીકે ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળમાં ચાઇનીઝ નિકાસ પર શ્રેણીબદ્ધ ટેરિફ લાદીને ચીન સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું. નવી ટર્મમાં પણ ટ્રમ્પે ચીની પ્રોડક્ટ્સ પર આશરે 60 ટકા ડ્યૂટી લાદવાની ચીમકી આપેલી છે.

નવ મુદ્દાના દસ્તાવેજમાં ચીનના વેપાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવા પગલાંથી ચીની કંપનીઓને ગેરવાજબી વિદેશી વેપાર પ્રતિબંધોનો સામનો કરવામાં અને નિકાસ માટે સારું વિદેશી વાતાવરણ બનાવવામાં મદદ મળશે. નવા પગલાંમાં વિદેશી વેપાર કરતી કંપનીઓ માટે એક્સપોર્ટ ક્રેડિટ ઇન્શ્યોરન્સનો વિસ્તાર કરવાના અને વધુ નાણાકીય સપોર્ટનો સમાવેશ થાય છે.

મંત્રાલયે સીમા પારના ઈ-કોમર્સને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરી હતી, જે દેશના અર્થતંત્રમાં એક ચમકતો તારલો બન્યો છે. નવા પગલાંઓમાં સ્પેશ્યાલિટી કૃષિ પ્રોડક્ટ્સ અને અન્ય કોમોડિટી સહિત નિકાસના વિસ્તરણનો સમાવેશ થાય છે. આની સાથે મહત્ત્વના ઇક્વિપમેન્ટ અને એન ઉર્જા સંસાધનોની આયાતને સમર્થન આપવામાં આવ્યું છે. કર્મચારીઓના વિનિમયને વધુ સરળ બનાવવા માટે વિઝા-મુક્ત પ્રવેશ પદ્ધતિને વ્યવસ્થિત રીતે વિસ્તૃત બનાવાશે.
ચીનનું અર્થતંત્ર નિકાસ પર આધારિત છે અને હાલમાં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અમેરિકાએ જંગી ટેરિફ નાંખી હોવા છતાં ગયા વર્ષે અમેરિકામાં ચીનની નિકાસ 427.2 બિલિયન ડોલર રહી હતી. હવે ટ્રમ્પે ટેરિફમાં વધુ વધારો કરવાની ધમકી આપી છે.

LEAVE A REPLY