ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પર્થ ખાતે ચાલુ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ટીમોના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. ફાસ્ટ બોલર્સના ઝંઝાવાત સામે ભારતની ટીમ 150 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની પણ માત્ર 67 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી. પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 83 રનથી પાછળ છે.
મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય કર્યો હતો. ભારત તરફથી બેટિંગમાં 21 વર્ષીય યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ સિવાયના મોટાભાગના બેટરો નિષ્ફળ રહ્યાં હતાં. પર્થ જેવી ઝડપી અને ઉછાળ ધરાવતી પિચ પર નીતિશે શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા દિગ્ગજ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ ગયા હતાં. નીતિશ કુમાર રેડ્ડીએ 59 બોલમાં 41 રનની લડાયરક ઇનિંગ રમી હતી જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. પહેલી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર હતો. ભારતીય ટીમ 49.4 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વિકેટકીપર રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 26 રન બનાવીને વિવાદાસ્પદ રીતે આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલીએ 5 રનનું યોગદાન આપ્યું હતું. અને યશસ્વી જયસ્વાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમના બેટરો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતાં અને 50 રનનો સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમ છ વિકેટ ગુમાવી ચૂકી હતી. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડી સામે કાંગારૂ બેટરો ધરાશાયી થઇ ગયા હતા. બુમરાહે 4 વિકેટ જ્યારે સિરાજે પણ 2 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. હર્ષિત રાણાએ એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે જ હરાવ્યું હતું. આ વખતે ભારત પાસે હેટ્રિકની તક છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જયારે નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.