ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ વિલંબિત બની રહી ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ફ્લાઇટમાં કોઈપણ વિલંબની તાત્કાલિક મુસાફરોને જાણ કરવા તથા ત્રણ કલાકથી વધુ વિલંબિત ફ્લાઇટ્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
બુધવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુની અધ્યક્ષતામાં ધુમ્મસની તૈયારી અંગેની સમીક્ષા બેઠક પછી આ માર્ગદર્શિકા જારી કરાઈ હતી. પ્રધાને મુસાફરીની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપતા ‘ઈઝ ઓફ ફ્લાઈંગ’ વિઝન સાથે અનુરુપે પેસેન્જર-ફર્સ્ટ અભિગમ પર ભાર મૂક્યો હતો.
દિલ્હી જેવા એરપોર્ટ પર ખાસ કરીને ડિસેમ્બરમાં એરલાઇન્સને CAT II/III અનુરૂપ વિમાન અને તાલીમબદ્ધ પાઇલટ્સનો ઉપયોગ કરવાની તાકીદ કરાઈ છે. એરલાઇન્સને અસુવિધામાં ઘટાડો કરવા માટે ચેક-ઇન કાઉન્ટર પર સંપૂર્ણ સ્ટાફ જાળવવા અને સંદેશાવ્યવહારની સુવિધા માટે ટિકિટ બુક કરતી વખતે મુસાફરોની સચોટ સંપર્ક વિગતો રેકોર્ડ કરવાનો પણ આદેશ અપાયો છે.
માર્ગદર્શિકા મુજબ દિલ્હી એરપોર્ટના ઓપરેટર DIALએ વિઝિબિલિટીની સ્થિતિ અંગેના રીઅલ-ટાઇમ અપડેટ્સ LED સ્ક્રીન ઇન્સ્ટોલ કરવી પડશે તથા ઓછી-વિઝિબિલિટી દરમિયાન વિમાનને માર્ગદર્શન આપવા માટે ‘ફોલો મી’ વાહનોની સંખ્યામાં વધારો કરવો પડશે.
આ સપ્તાહે ધુમ્મુસને કારણે આશરે 100 ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે અને 15ને ડાઇવર્ટ કરાઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને ગ્રાઉન્ડ હેન્ડલર્સ વચ્ચેના રીઅલ-ટાઇમ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નાગરિક ઉડ્ડયન પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS), ભારતીય હવામાન વિભાગ, દિલ્હી એરપોર્ટ ઓપરેટર અને એરલાઇન્સના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછી-વિઝિબિલિટીના પડકારોને અસરકારક સામનો કરવા માટેના અનેક પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ચારમાંથી ત્રણ રનવે CAT III ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ્સ (ILS)થી સજ્જ છે.