ગુજરાત સરકારની ત્રણ દિવસની ‘ચિંતન શિબિર’નો ગુરુવાર, 21 નવેમ્બરે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં પ્રારંભ થયો હતો. સરકારની 11મી ચિંતન શિબિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પ્રધાનો, મુખ્ય સચિવ, વરિષ્ઠ અમલદારો અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
10મી ચિંતન શિબિર ગયા વર્ષે મે મહિનામાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા ખાતે યોજાઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં રોજગારીની તકો, ગામડાઓમાં રહેતા લોકોની આવક, સરકારી યોજનાઓ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે લેવાના પગલાં સહિતના મુદ્દાની ચર્ચાવિચારણા કરશે. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને તેમની કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવશે.