ચર્ચ સાથે સંકળાયેલા બેરિસ્ટર જોન સ્મિથ દ્વારા છોકરાઓ અને યુવાનો સાથેના દુર્વ્યવહાર કૌભાંડના અહેવાલ પછી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના મુખ્ય નેતા આર્ચબિશપ ઓફ કેન્ટરબરી રેવરન્ડ જસ્ટિન વેલ્બીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું.
રેવરેન્ડ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે તેમણે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વડા અને સર્વોચ્ચ ગવર્નર કિંગ ચાર્લ્સ IIIની પરવાનગી બાદ આ પગલુ લીધું હતું. બેરિસ્ટર જોન સ્મિથનું 2018માં કેપટાઉનમાં 75 વર્ષની વયે મૃત્યુ થયું હતું. યુકેમાં હેમ્પશાયર પોલીસ દ્વારા હજુ પણ તેની તપાસ ચાલી રહી હતી.
વેલ્બીએ રાજીનામુ આપતાં કહ્યું હતું કે “ધ માકિન રિવ્યુએ જોહ્ન સ્મિથના ઘોર દુરવ્યવહાર વિશે લાંબા સમયથી મૌન રાખવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. મને 2013માં આ બાબતે જાણ કરાઇ ત્યારે કહેવાયું હતું કે પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારે હું ખોટી રીતે માનતો હતો કે યોગ્ય નિરાકરણનું પાલન કરવામાં આવશે. ખૂબ જ સ્પષ્ટ છે કે મારે 2013 અને 2024 વચ્ચેના લાંબા અને ફરીથી આઘાતજનક સમયગાળા માટે વ્યક્તિગત અને સંસ્થાકીય જવાબદારી લેવી જોઈએ.”
બિશપે કહ્યું હતું કે તેઓ અગાઉ સંમત થયા મુજબ પીડિતોને મળશે અને અનુગામી સ્થાન ન લે ત્યાં સુધી અન્ય તમામ જવાબદારીઓ સંભાળશે.
સ્મિથ એક અગ્રણી બેરિસ્ટર તેમજ એક બિનનિયુક્ત ઉપદેશક હતા અને 1970 અને 1980ના દાયકા દરમિયાન ઉનાળુ શિબિરોમાં મળેલા 30 જેટલા છોકરાઓ પર હુમલો કરવાનો આરોપ હતો.