જાણીતા લેખક, ભારતીય સાંસદ અને ઇન્ફોસીસના બિલાયોનેર ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિએ પોતાના જમાઈ અને યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક માટે ગર્વની લાગણી વ્યક્ત કરી સુનકે યુકેમાં પોતાના માતાપિતાના ઉછેરમાંથી “સારા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો” મેળવ્યા હોવાનું ગયા શનિવારે તા. 16ના રોજ લંડનમાં યોજાયેલા ભારતીય વિદ્યા ભવનના વાર્ષિક દિવાળી પર્વમાં જણાવ્યું હતું.

સન્માનિત અતિથિ તરીકે જમાઇ સુનક અને પુત્રી અક્ષતા સાથે જોડાયેલા સુધા મૂર્તિ સાથે ઋષિ સુનકના માતા ઉષા અને પિતા યશવીર પણ જોડાયા હતા.

મુખ્ય વક્તવ્ય આપતા સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે “હું હંમેશા માનું છું કે જ્યારે તમે વિદેશમાં હો ત્યારે તમારા માતા-પિતાએ બે બાબતો કરવી જોઈએ: એક સારું શિક્ષણ આપો. જે બદલામાં તમને પાંખો આપે છે અને તમે ગમે ત્યાં ઉડીને સ્થાયી થઈ શકો છો; બીજું મહાન સંસ્કૃતિ, તમારું મૂળ, જે ભારતીય મૂળ છે. જે તમે તમારા માતા-પિતા સાથે ભારતીય વિદ્યા ભવનમાંથી મેળવી શકો છો.”

તેમણે કહ્યું હતું કે “હું ઉષાજીને અભિનંદન આપવા માંગુ છું, તેઓ મારા સંબંધી (વેવાણ) અને મારા એક સારા મિત્ર છે, જેમણે તેમના પુત્ર ઋષિ સુનક, ભૂતપૂર્વ વડા પ્રધાનને, સંસ્કૃતિ સાથે ઓળખવા માટે એક શ્રેષ્ઠ માર્ગ આપ્યો, તેમને સાંસ્કૃતિક મૂલ્યો આપવા સાથે એક ગૌરવપૂર્ણ બ્રિટિશ નાગરિક, તેમજ સારા ભારતીય બનાવ્યા છે.”

પરોપકારી સખાવતી પ્રવૃત્તિઓ માટે જાણીતા મૂર્તિએ બ્રિટિશ ભારતીય સમુદાયને “માનસિક, શારીરિક અને નાણાકીય રીતે” ભવન યુકેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યને સક્ષમ કરવા અપીલ કરી હતી.

વર્ષોથી સાંસ્કૃતિક કેન્દ્રના સમર્થક મૂર્તિએ તેમણે કહ્યું હતું કે “તમારે તમારા બાળકોને ભારતીય સંસ્કૃતિને સમજવા માટે અહીં મોકલવા જ જોઈએ, કારણ કે જ્યારે તમે વૃદ્ધ થાઓ છો ત્યારે તમે તમારા મૂળ તરફ જાઓ છો… તે અંતર ભારતીય વિદ્યા ભવન દ્વારા સંબોધવામાં આવે છે, તેથી તમારે તેમને ટકી રહેવા માટે દરેક રીતે મદદ કરવી પડશે.”

યુકેમાં ભારતના હાઈ કમિશનર, વિક્રમ દોરાઈસ્વામીએ સુધા મૂર્તિના લખાણો પર પ્રતિબિંબિત કર્યું હતું જે વાચકોને પોતાના પ્રત્યે સાચા રહેવાની પ્રેરણા આપે છે.

શ્રી દોરાઇસ્વામીએ મૂર્તિના પુસ્તક “3000 સ્ટીચીસ”માં આંતરદૃષ્ટિ શેર કરતા સુધા મૂર્તિની નોંધપાત્ર જીવન યાત્રાની પ્રશંસા કરી પડકારોને પહોંચી વળવા વિશે સુધાજીના પિતાના શાણપણ પર ભાર મૂક્યો હતો. જેમાં તેમના પિતાએ કહ્યું હતું કે “જો તમે કંઈક નકારાત્મક સાથે પ્રારંભ કરો છો, તો કોઈને તે ગમશે નહીં. પ્રથમ પરિચય હંમેશા હકારાત્મક હોવો જોઈએ. તેનાથી સાચી આશા લાવવી જોઈએ.”

તેમણે પોતાના મૂળ પ્રત્યે સાચા રહેવાના મહત્વ પર પણ પ્રકાશ પાડી સફળતા માટે વિદેશી શિક્ષણની આવશ્યકતા વિશેની ધારણાઓનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “તમારી મૂળ વાર્તા મહત્વપૂર્ણ છે. તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો અથવા તમારો સંદર્ભ કયો હતો તે સૌથી મહત્વપૂર્ણ નથી.”

દોરાઈસ્વામીએ દિવાળીના આંતર-સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ‘’આ તહેવાર ભારતના પ્રદેશો અને ધર્મોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કૃષ્ણ કથા દક્ષિણમાં દિવાળી સાથે સંબંધિત છે. તો ‘રામાયણ’ વાર્તા અને ભગવાન રામનું લંકાથી અયોધ્યા પરત ફરવું ઉત્તરની દિવાળીની વાર્તા સાથે જોડાયેલું છે અને પૂર્વમાં દિવાળી કાલી પૂજાની વાર્તા સાથે જોડાયેલી છે. દિવાળી શીખ, જૈન અને બૌદ્ધ પરંપરાઓ સાથે પણ જોડાય છે. તે આપણને  કહે છે કે પ્રકાશનો અર્થ એ પણ છે કે એક નિશ્ચિતતા જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે પ્રકાશમાં તમે  આપણે જેની સાથે જીવીએ છીએ તે માનવ સ્થિતિની વિવિધતાને ઓળખો છો. તેથી દિવાળીને પ્રકાશમાં કેટલી બધી વસ્તુઓ અલગ રીતે દેખાય છે તે ધ્યાનમાં લેવાની તક તરીકે જોવાનો ખરેખર સારો વિચાર છે.”

ધ ભવન યુકેના ચેરમેન સુભાનુ સક્સેના અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. સક્સેનાએ વૈશ્વિક પરિવર્તન વચ્ચે સાંસ્કૃતિક વારસો જાળવવામાં સંસ્થાની ભૂમિકા વિશે માહિતી આપી પરંપરાગત કળા અને સાંસ્કૃતિક શાખાઓ બદલાતી દુનિયામાં કેવી રીતે સ્થિરતા પ્રદાન કરે છે તે વિશે વાત કરી હતી.

સક્સેનાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિશ્વ દૃષ્ટિકોણને આકાર આપવા માટે તેમના બહુસાંસ્કૃતિક શિક્ષણનો શ્રેય આપ્યો હતો. જેમાં ઉર્દૂ કવિતાના પાઠ અને સંસ્કૃત શિક્ષણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સાંસ્કૃતિક ઉપદેશોએ તેમના વ્યવસાય નેતૃત્વને પ્રભાવિત કર્યું છે.

આ પ્રસંગે ભારતીય કળા, સંગીત, નૃત્ય, યોગ અને ભાષાઓમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર ભવનની સિદ્ધિઓને પ્રકાશિત કરાઇ હતી જે 23 વિષયોમાં 120 વર્ગો ઓફર કરે છે.

ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિએ 1970 ના દાયકાથી કેન્દ્રની ઘણી પ્રવૃત્તિઓને ટેકો આપનાર  ટીમને સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા.

ભવનના ઘણા સમર્થકોમાંના એક ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી ભવન યુકે એક મહાન સંસ્થા છે અને તે અમારા સંપૂર્ણ સમર્થનને પાત્ર છે.”

કાર્યક્રમમાં ભવન યુકેના વિદ્યાર્થીઓ – શિક્ષકોએ કુચીપુડી, કથક અને ભરતનાટ્યમ રજૂ કર્યા હતા.

LEAVE A REPLY