મહારાષ્ટ્રમાં બુધવાર, 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સાજે પાંચ વાગ્યા સુધીમાં 58.22 ટકા મતદાન થયું હતું, જ્યારે ઝારખંડની બીજા તબક્કાની 38 બેઠકો પર 67.59 ટકા મતદાન થયું હતું. બન્ને રાજ્યોની ચૂંટણીનું રિઝલ્ટ 24 નવેમ્બરે જાહેર થશે.
હાલમાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનપીસીની મહાયુતિ સત્તારૂઢ છે. બીજી તરફ વિપક્ષમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)ની મહાવિકાસ અઘાડી સત્તા મેળવવા સક્રિય છે. બીજી તરફ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર છે. ભાજપ આ આદિવાસી રાજ્યમાં સત્તા માટે મુકાબલો કરી રહ્યો છે.
બંને રાજ્યોમાં તમામ પક્ષોએ મતદારોને રીઝવવા જોરદાર પ્રયાસ કર્યા હતા. ભાજપ તરફથી નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ તેમજ ઘણા કેન્દ્રીય પ્રધાનોએ ચૂંટણી રેલીઓ યોજી હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો.
ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન ઝારખંડમાં સત્તા જાળવી રાખવાનો તો ભાજપની આગેવાનીવાળી એનડીએ તેને જીતવાનો પ્રયાસ કરશે. બીજા તબક્કામાં ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન (બંને જેએમએમ) અને વિપક્ષના નેતા અમર કુમાર બૌરી (ભાજપ) ઉપરાંત કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 500થી વધુ અન્ય ઉમેદવારોનું ચૂંટણી ભાવિ મતદારોએ નિર્ધારિત કર્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપે હિન્દુ મતનું ધ્રુવીકરણ કરવા માટે ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ મુદ્દા ઉઠાવ્યા હતા. મહાવિકાસ અઘાડીએ જાતિ આધારિત વસતી ગણતરી, સામાજિક ન્યાય અને બંધારણની સુરક્ષા જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મહાયુતિમાં ભાજપ ૧૪૯ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે.