અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર, 13 નવેમ્બરે જાહેરાત કરી હતી કે તેમની સરકારમાં ટેસ્લાના માલિક એલોન મસ્ક અને ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી નવા રચવામાં આવેલા ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ટ્રમ્પે આવતા વર્ષે 20 જાન્યુઆરીથી તેમના વહીવટીતંત્રમાં સામેલ કરવાની જાહેરાત કરી હોય તેવા રામસ્વામી પ્રથમ ભારતીય અમેરિકન છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમેરિકન દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે મળીને ગ્રેટ એલોન મસ્ક ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. સાથે મળીને આ બે અદભૂત અમેરિકનો મારા વહીવટીતંત્રમાં સરકારી અમલદારશાહીને ખતમ કરવાનો, વધારાના નિયમો દૂર કરવાનો, નકામા ખર્ચમાં ઘટાડો કરવાનો અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે. આ કવાયત ‘સેવ અમેરિકા’ અભિયાન માટે જરૂરી છે.
રીપબ્લિકન રાજકારણીઓએ ખૂબ લાંબા સમયથી આવા નવા મંત્રાલયના ઉદ્દેશ્યો વિશે સપનું જોયું છે. કઠોર પરિવર્તન લાવવા માટે સરકારી કાર્યક્ષમતા વિભાગ સરકારને બહારથી સલાહ અને માર્ગદર્શન આપશે તથા વ્હાઇટ હાઉસ અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સાથે ભાગીદારી કરીને મોટા પાયે માળખાકીય સુધારા આગળ ધપાવવા કામ કરશે. આ વિભાગે સરકારમાં ક્યારેય જોવા મળ્યો હોય નહીં તેવો ઉદ્યોગસાહસિક અભિગમ ઊભો કરશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે કાર્યક્ષમતા પર ધ્યાન આપીને  ઇલોન અને વિવેક ફેડરલ બ્યુરોક્રેસીમાં ફેરફારો કરશે અને સાથે સાથે તમામ અમેરિકનો માટે જીવન બહેતર બનાવશે. મહત્વની બાબત  એ છે કે, અમે અમારા વાર્ષિક 6.5 ટ્રિલિયન ડોલરના સરકારી ખર્ચમાં કાપ મુકીશું.વધુ કાર્યક્ષમતા અને ઓછી અમલદારશાહી સાથે નાની સરકાર, સ્વતંત્રતાની ઘોષણાની 250મી વર્ષગાંઠ પર અમેરિકાને એક મોટી ભેટ હશે. મને વિશ્વાસ છે કે તેઓ સફળ થશે.
આ ઉપરાંત, ટ્રમ્પે દેશના ગુપ્તચર તંત્રના વડા તરીકે તુલસી ગબાર્ડની પણ નિમણુંક કરી હતી. વડોદરાના વતની, ટ્રમ્પની અગાઉની સરકારમાં કામ કરી ચૂકેલા કલ્પેશ ઉર્ફે કાશ પટેલને પણ સરકારમાં મહત્ત્વની જવાબદારી સોંપાશે તેવા અહેવાલો તો ક્યારના ચમકી રહ્યા છે પણ તેમના નામ અંગે હજી કોઈ સ્પષ્ટતા મળી નથી.

LEAVE A REPLY