બ્રાઝિલના રીઓ ડી જાનેરો ખાતે જી-20 શિખર સંમેલન દરમિયાન મંગળવારે (19 નવેમ્બર) વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે પ્રથમ મુલાકાત પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. બીજી તરફ સ્ટાર્મરે નવા વર્ષમાં ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ની વાટાઘાટો ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હતી. સ્ટાર્મરની ટીપ્પણીથી જાન્યુઆરી 2022થી અટકી પડેલા મહત્ત્વકાંક્ષી એફટીએ અંગે નવી લેબર સરકારના અભિગમ અંગેની શંકા-કુશંકાનો અંત આવ્યો હતો.
ઋષિ સુનકના સ્થાને જુલાઇમાં યુકેના વડાપ્રધાન તરીકે સ્ટાર્મરે કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ભારત સાથે યુકે નવી વ્યૂહાત્મક ભાગીદારી કરશે, તેમાં વેપાર કરાર તેમજ ડીફેન્સ, શિક્ષણ, ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં સહકાર ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે. ભારત સાથેની નવી વેપાર સમજૂતિથી યુકેમાં રોજગારીનું સર્જન થશે અને આર્થિક સમૃદ્ધિને મદદ મળશે. સમગ્ર દેશમાં વિકાસ અને તકો પૂરી પાડવાના અમારા મિશનનું તે એક મહત્ત્વનું પગલું હશે.
મહત્વાકાંક્ષી વેપાર સોદા વિષે બંને વડા પ્રધાનોએ આશા વ્યક્ત કરી હતી કે બાકીના મુદ્દાનો ઉકેલ લાવીને “સંતુલિત, પરસ્પર લાભદાયી અને દૂરંદેશી” મુક્ત વેપાર કરાર (FTA)ને આખરી ઓપ અપાશે.
સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક, ભારત સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટો કરવા પ્રતિબદ્ધ છે.
સ્ટાર્મર સાથેની બેઠકને “અત્યંત ફળદાયી” ગણાવીને મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુકે સાથે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી ભારત માટે ઉચ્ચ પ્રાથમિકતા છે. આગામી વર્ષોમાં અમે ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, સંરક્ષણ, ઈનોવેશન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નિકટતાથી કામ કરવા આતુર છીએ. અમે વેપાર તેમજ સાંસ્કૃતિક જોડાણોમાં પણ મજબૂતી ઉમેરવા માંગીએ છીએ.
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) કહ્યું હતું કે આ દ્વિપક્ષી બેઠકે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવો વેગ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રીઓમાં G20 સમિટ દરમિયાન યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરને મળ્યા હતાં. બંને નેતાઓએ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. તેઓએ સંતુલિત અને પરસ્પર લાભદાયી FTAની જરૂરત પણ સ્વીકારી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતુ કે સ્ટાર્મરે G20 સમિટ માટે બ્રાઝિલની તેમની યાત્રાનો ઉપયોગ વિશ્વની અગ્રણી આર્થિક શક્તિઓ સાથેના સંબંધો મજબૂત કરવા અને બ્રિટિશ લોકો માટે વિકાસને વેગ આપવા કર્યો હતો.
ભારત-યુકે વેપાર વાટાઘાટો મુદ્દે ડાઉનિંગ સ્ટ્રીટે ખુલાસો કર્યો કે ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT) ટૂંક સમયમાં સરકારની નવી વેપાર વ્યૂહરચનાનું અનાવરણ કરશે, જે તેની ઔદ્યોગિક વ્યૂહરચના સાથે સુસંગત હશે. યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને યુકે માટે તે મહત્વનો વેપાર ભાગીદાર છે. અમારું માનવું છે કે બંને વચ્ચે એક સારો કરાર થવાનો છે જે બંને દેશો માટે કામ કરશે.
ભારત અને યુકે જાન્યુઆરી 2022થી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બંને દેશોમાં સામાન્ય ચૂંટણીઓ કારણે વાટાઘાટો અટકી પડી હતી. તાજેતરના આંકડા અનુસાર, જૂનથી 12 મહિનામાં દ્વિપક્ષી વેપાર સંબંધો 42 બિલિયન પાઉન્ડના હતાં. FTAથી તેમાં મોટો વધારો થવાની ધારણા છે.
ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું હતું કે સ્ટાર્મરે યુકેમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ સ્થાપવાની મોદીની જાહેરાતનું સ્વાગત કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વધતાં જતાં દ્વિપક્ષી આર્થિક અને બિઝનેસ સંબંધો તથા યુકેમાં ભારતીય સમુદાયને વધુ સારી કોન્સ્યુલર સેવાની જરૂરતને ધ્યાનમાં રાખીને તથા બંને પક્ષો વચ્ચેના જોડાણ માટેની પુષ્કળ તકો સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા કોન્સ્યુલેટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. બંને નેતાઓ મોબિલિટી અને માઇગ્રેશન સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ કરવાની જરૂરિયાત વિષે પણ સંમત થયાં હતાં.