સોમવારે રિયો ડી જાનેરોમાં 19મી G-20 સમિટમાં ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણની શરૂઆત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય વિશ્વ નેતાઓ (ANI Photo)

બ્રાઝિલમાં જી20 સમિટની દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલી, ઇન્ડોનેશિયા, નોર્વે, પોર્ટુગલ, ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા સહિતના ઘણા દેશોના નેતાઓને મળ્યા હતાં અને દ્વિપક્ષીય સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચાવિચારણા કરી હતી.

મોદી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ અને યુરોપિયન યુનિયન (EU)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનને પણ મળ્યા હતાં.

મોદીએ ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટ પ્રબોવો સુબિયાન્તો સાથે પણ મુલાકાત કરી હતી તથા સુરક્ષા, આરોગ્ય સંભાળમાં સંબંધો સુધારવાના વિકલ્પો પર ચર્ચા કરી હતી. મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન પ્રેસિડન્ટ પ્રબોવો સુબિયાન્ટોને મળીને આનંદ થયો. આ વર્ષ ખાસ છે કારણ કે આપણે ભારત-ઇન્ડોનેશિયાના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ. અમારી વાટાઘાટો વાણિજ્ય, સુરક્ષા, આરોગ્યસંભાળ, ફાર્માસ્યુટિકલ્સ અને વધુ ક્ષેત્રે સંબંધો સુધારવા પર કેન્દ્રિત હતી.

પોર્ટુગલના વડાપ્રધાન લુઈસ મોન્ટેનેગ્રો સાથેની મોદીની મુલાકાત દરમિયાન થયેલી વાતચીતમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોદીએ X પર કહ્યું હતું કે “પોર્ટુગલના વડા પ્રધાન લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ સારી મુલાકાત થઈ. ભારત પોર્ટુગલ સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોને મહત્ત્વ આપે છે. અમારી વાટાઘાટો અમારા આર્થિક જોડાણોમાં વધુ જોશ ઉમેરવા પર કેન્દ્રિત હતી. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રો સહયોગ માટે ઘણી તકો આપે છે. અમે મજબૂત સંરક્ષણ સંબંધો, લોકો વચ્ચેના જોડાણો અને આવા અન્ય વિષયો વિશે પણ વાત કરી હતી.”

મોદી આ શિખર સંમેલનની દરમિયાન તેમના નોર્વેના સમકક્ષ જોનાસ ગહર સ્ટોરને પણ મળ્યા હતા.અગાઉના દિવસે, મોદી યુએસ પ્રમુખ જો બાઇડનને મળ્યા હતા અને તેમની સાથે ટૂંકમાં વાતચીત કરી હતી. મોદીએ સોમવારે બ્રાઝિલ, સિંગાપોર અને સ્પેનના નેતાઓ સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી.

 

LEAVE A REPLY