વડોદરાની સયાજી હોસ્પિટલ કમાઉન્ડમાં પોલીસની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમારના પુત્ર તપન પરમારની મુસ્લિમ યુવકે છરીના ઘા ઝીંકીને કથિત રીતે હત્યા કરી હતી.
રવિવારે 17મી નવેમ્બર રાત્રે વડોદરાના નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવકો તથા બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતાં.
ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુને ભૂતપૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. તે સમયે બાબર પઠાણે અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી ધારદાર હથિયાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેને બાબર પઠાણને હથિયાર આપ્યું હોવાનું માનવામાં આવે છે.