ભારતની અવકાશ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ઇલોન મસ્કની માલિકીની સ્પેસએક્સ કંપની સાથે મોટી ડીલ કરી છે. આ ડીલ મુજબ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને ઇસરોનો એક આધુનિક દૂરસંચાર સેટેલાઇટ આગામી સપ્તાહે અવકાશમાં છોડવામાં આવશે. ઇલોન મસ્ક ભારતમાં પણ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની મંજૂરી માટે લોબિંગ કરી રહ્યાં છે ત્યારે આ હિલચાલ થઈ છે.
ઇસરોના 4700-કિલોગ્રામના GSAT-N2 નામના સેટેલાઇટનો ઉદ્દેશ્ય દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. તેનાથી સમગ્ર ભારતીય ક્ષેત્રમાં વિમાનમાં ઇન્ટરનેટ સેવા પણ મળશે.
ISROનું માર્ક-3 નામનું રોકેટ 4,000 કિગ્રા સુધીના સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. જોકે GSAT-N2નું વજન 4,700 કિગ્રા હોવાથી સ્પેસ એજન્સી મસ્કના લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરી રહી છે. આ સ્પેસએક્સનો ઉપયોગ કરીને ઈસરોનું પ્રથમ કોમર્શિયલ સેટેલાઇનું લોન્ચિંગ હશે.
ISROના જણાવ્યા મુજબ GSAT-N2ની મિશન લાઇફ 14 વર્ષ છે.આ સ્વદેશી ઉપગ્રહ કાર્યરત થશે ત્યારે ઈન્-ફ્લાઇટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. હાલમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ભારતીય એર સ્પેસમાં પ્રવેશે છે, ત્યારે તેમણે ઈન્ટરનેટ બંધ કરવું પડે છે કારણ કે ભારત આ સેવાને મંજૂરી આપતું નથી.પરંતુ તાજેતરમાં, ભારતે ભારતમાં ફ્લાઇટમાં ઇન્ટરનેટ ઍક્સેસની પરવાનગી આપવા માટે નિયમોમાં સુધારો કર્યો છે.