એર ઇન્ડિયા ગ્રૂપ સાથે સોમવારે વિસ્તારાના મર્જરની સાથે છેલ્લાં 17 વર્ષમાં ભારતના ઝડપથી વિકસતા જતાં ઉડ્ડયન ક્ષેત્રમાં ફુલ સર્વિસ એરલાઇનની સંખ્યા પાંચથી ઘટીને માત્ર એક રહેશે. આમ છેલ્લાં 17 વર્ષમાં કુલ 5 ફૂલ સર્વિસ એરલાઇન્સે વિદાય લીધી છે. આ એરલાઇન્સમાં જેટ એરવેઝ, વિસ્તારા, કિંગફિશર, એર સહારા, એરએશિયા ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
2012માં વડાપ્રધાન મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે વિદેશી એરલાઇન્સને ભારતીય એરલાઇન્સમાં 49 ટકા સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. આ પછી હાલમાં બંધ થઈ ગયેલી જેટ એરવેઝમાં ગલ્ફ કેરિયર એતિહાદે 24 ટકા હિસ્સો ખરીદ્યો હતો તથા એરએશિયા ઇન્ડિયા અને વિસ્તારાનો જન્મ થયો હતો.
છેલ્લા 10 વર્ષમાં ઉડ્ડયન સેવા શરૂ કરનાર વિસ્તારા એકમાત્ર ફુલ સર્વિસ કેરિયર હતી. 2007માં એર ઈન્ડિયા સાથે ફુલ-સર્વિસ કેરિયર (FSC) ઈન્ડિયન એરલાઈન્સનું વિલીનીકરણ થયું તે પછીથી ઓછામાં ઓછા પાંચ ફુલ સર્વિસ એરલાઇન ચાલુ થઈ હતી.
જોકે સમયની સાથે કિંગફિશર અને એર સહારા ગાયબ થઈ ગઈ હતી, જ્યારે વિસ્તારાએ જાન્યુઆરી 2015માં ઉડાન ભરી હતી. કિંગફિશર 2012માં નાદાર બની હતી. એર સહારા 2019માં જેટ એરવેઝ સાથે ડૂબી ગઈ હતી, કારણ કે જેટ એરવેઝે એર સહારને ખરીદી હતી અને તેનું નામ બદલીને જેટલાઇટ રાખ્યું હતું.
ફુલ સર્વિસ એરલાઇન જેટ એરવેઝ 25 વર્ષ સુધી ચાલી હતી, પરંતુ એપ્રિલ 2019માં નાણાકીય કટોકટીને કારણે બંધ થઈ હતી. હવે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝની સંપત્તિનું વેચાણ કરવાનો આદેશ આપ્યો હોવાથી તેની ફરી બેઠી કરવાની યોજના પણ પડી ભાંગી છે. 12 નવેમ્બરથી એર ઈન્ડિયા દેશની એકમાત્ર ફુલ-સર્વિસ એરલાઇન રહેશે.
વધતા જતાં હવાઈ ટ્રાફિક અને મુસાફરીની બદલાતી પેટર્ન સાથે ઘણી નો-ફ્રીલ્સ એરલાઈન્સ વિશ્વભરના આકાશમાં પ્રભુત્વ જમાવી રહી છે અને ભારતમાં લો-કોસ્ટ એરલાઇન ઈન્ડિગોનું વર્ચસ્વ છે. વરિષ્ઠ એરલાઇન અધિકારીના જણાવ્યા અનુસાર ફૂલ સર્વિસ અને લો-કોસ્ટ એરલાઇન વચ્ચેની ભેદરેખા ઘણા અંશે ગાયબ થઈ ગઈ છે. દાખલા તરીકે કેટલીક બજેટ એરલાઇન્સ બિઝનેસ ક્લાસ સીટ પણ ઓફર કરે છે. ફુલ સર્વિસ એરલાઇન મુસાફરી દરમિયાન મુસાફરોને વધુ આરામ આપવાનો પ્રયાસ કરે છે અને ભોજન સહિતની સેવાઓ ટિકિટના ભાવમાં સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત તેઓ મોટે ભાગે વિવિધ પ્રકારના વિમાનાનો ઉપયોગ કરે છે અને એકંદર નેટવર્કની નફાકારકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.