18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટેની વેબસાઇટને મંગળવાર, 12 નવેમ્બરે ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝી અને વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રીતે લોન્ચ કરી હતી. ઓડિશા રાજ્ય સરકારના સહયોગથી આ સંમેલન આવતા વર્ષે 8-10 જાન્યુઆરીએ ભુવનેશ્વર ખાતે યોજાશે.
pbdindia.gov.in નામની આ વેબસાઇટ લોન્ચ કરતાં વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે સરકાર 35 મિલિયનથી વધુ ઇન્ડિયન ડાયસ્પોરાની સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. વિદેશની મુલાકાતો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડાયસ્પોરા સાથેની નિયમિત વાતચીત અને ભારતની વૃદ્ધિ માટે તેમના અવિચળ સમર્થન ભારત અને તેના વૈશ્વિક સમુદાય વચ્ચેના મજબૂત બંધનોનું સાક્ષી છે. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ડાયસ્પોરા વિકસિત ભારત તરફની ભારતની કૂચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહ પણ જોડાયા હતાં.
મુખ્યપ્રધાને માઝીએ ભારતીય ડાયસ્પોરાને ઓડિશાની મુલાકાત લેવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ડાયાસ્પોરાને રાજ્યના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની અનુભવ થશે.
વેબસાઈટનું લોન્ચિંગ સાથે આ સંમેલન 2025માં ભાગ લેવા માટે ઓનલાઈન નોંધણીની શરૂઆત થાય છે. વેબસાઈટથી ઓડિશામાં રહેઠાણનું રિઝર્વેશન સરળ બનશે અને ઈવેન્ટ અંગે વિગતવાર માહિતી મળશે.
અગાઉ સરકારે જણાવ્યું હતું કે ત્રણ દિવસીય સંમેલનમાં વિવિધ દેશોમાંથી 5,000થી વધુ ડાયસ્પોરા સભ્યો જોડાય તેવી શક્યતા છે. વિદેશી ભારતીયો, NRIs અને અન્ય મહાનુભાવોને ઓડિશાના વિવિધ સ્થળોના પ્રવાસ પર લઈ જવામાં આવશે, જેમાં રાજ્યનો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક મહત્વ અને ઔદ્યોગિક ક્ષમતા દર્શાવવામાં આવશે.
1915માં દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના મુંબઈ આગમનની સ્મૃતિમાં 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. જોકે આ કાર્યક્રમ 2003માં શરૂ થયો હતો, પરંતુ દેશના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને માન આપવા માટે 2015થી દ્વિવાર્ષિક રીતે તેનું આયોજન કરવામાં આવે છે. છેલ્લો પ્રવાસી ભારતીય દિવસ મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયો હતો.