ગુજરાતના વડોદરા શહેરમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં ભભૂકેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધી મંગળવારે બે થયો હતો. અન્ય એક ઘાયલ વ્યક્તિ સારવાર હેઠળ છે. રિફાઈનરીમાં આગ એટલી ભીષણ હતી કે તેના ધૂમાડા કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. કેટલાક કામદારોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
જવાહર નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ બી મોરીએ જણાવ્યું હતું કે રિફાઇનરીની બેન્ઝીન સ્ટોરેજ ટાંકીમાં
સોમવારે વિસ્ફોટ થયો હતો અને પછી આગ લાગી હતી. આ પછી બીજી સ્ટોરેજ ટેન્કમાં પણ આગ ફેલાઈ હતી. મંગળવારના સવાર સુધીના પ્રયત્નો બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ આગમાં ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણા નામના બે વ્યક્તિના મોત થયા હતાં. IOCL અધિકારીને ઈજાઓ થઈ હતી અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ઘાયલ વ્યક્તિની હાલત સ્થિર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નજીકના શહેરો અને નગરોમાંથી લાવવામાં આવેલા અનેક ફાયર ટેન્ડરોના વ્યાપક પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
વડોદરાના બહારના કોયલી વિસ્તારમાં આવેલી IOCL રિફાઇનરીમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે આગ લાગી હતી.IOCLએ સોમવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 KL ક્ષમતા)માં બપોરે 3.30 વાગ્યે આગની જાણ થઈ હતી.આગને કાબૂમાં લેવા માટે બાજુમાં આવેલી પાણીના છંટકાવની વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હતી