આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આઈસીસીની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જાય તેના નિર્ણયની સત્તાવાર રીતે ભારતે આઈસીસીના માધ્યમથી પાકિસ્તાનને કર્યા પછી આ વિવાદે હવે નવું રૂપ ધારણ કર્યું છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દેશની સરકારને તેની જાણ કરતાં પાકિસ્તાન સરકારે બોર્ડને કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન આવે નહીં અને આઈસીસી તે સાંખી લે તો હવે પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આઈસીસીની તમામ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાના વિકલ્પ ઉપર વિચારણા કરવી જોઈએ. હાલમાં તો પાકિસ્તાને એવું વલણ અપનાવ્યું છે કે, ભારતીય ટીમે પાકિસ્તાનમાં આવી રમવું જ પડશે, ભારતની મેચો અન્ય દેશમાં યોજવાનો વિકલ્પ સ્વિકારવા પાકિસ્તાન તૈયાર નથી.
પાકિસ્તાનના અખબાર ‘ધ ડોન’માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને પ્રકાશિત એક અહેવાલ મુજબ ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે છે. તો તે આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે.હવે ભારતના ઇનકાર બાદ આઈસીસી આખી ટુર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે. બીજી તરફ પીસીબીના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ કરાય તો પાકિસ્તાન સરકાર PCBને ટુર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરવાનું કહ્યું છે.’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાન સરકારમાં ફેડરલ ગૃહપ્રધાન પણ છે.
તો એક અન્ય અહેવાલ મુજબ પીસીબી ભારતીય ટીમ વિના જ આખી ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાના વિકલ્પ વિષે પણ વિચારી રહ્યું છે. જો કે, આમાં મોટી મુશ્કેલી આઈસીસી માટે ઉભી થઈ શકે છે, કારણ કે ભારતીય ટીમ ભાગ લેવાની ના હોય તો ટુર્નામેન્ટમાંથી થનારી ટીવી પ્રસારણ રાઈટ્સ વગેરેની આવકમાં મોટું ગાબડું પડી શકે છે.