ખાલિસ્તાની આતંકીની હત્યાને મુદ્દે ભારત સાથે સંબંધો બગાડ્યા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો હોવાનો આખરે સ્વીકાર કર્યો હતો. જોકે તેમણે જણાવ્યું હતું કેઆ ખાલિસ્તાનીઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે તાજેતરમાં ઓટ્ટાવાના પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ટ્રુડોએ આ ટિપ્પણીઓ કરી હતી.
વડાપ્રધાન ટ્રુડોએ જણાવ્યું હતું કે “કેનેડામાં ખાલિસ્તાનના ઘણા સમર્થકો છે, પરંતુ તેઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. એ જ રીતે કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના પણ સમર્થકો છે, પરંતુ તેઓ તમામ હિન્દુ કેનેડિયનોનું પ્રતિનિધિત્વ કરતા નથી.”
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના ટ્રુડોના આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો કથળેલા છે. નવી દિલ્હીએ ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતાં. ભારતે કેનેડાના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી. કેનેડાએ ટાર્ગેટ બનાવ્યા હતા તેવા કેટલાંક ભારતીય રાજદ્વારીઓને પણ ભારતે પરત બોલાવી લીધા હતા.