બોલીવૂડમાં સીક્વલ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ફિલ્મોના નિર્માતાઓ સીક્વલ બનાવીને કમાણી કરી લેવા ઇચ્છે છે. આવી ફિલ્મોની ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગના અભિનેતાઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે જુની અભિનેત્રીઓને બદલીને નવોદિતોને પસંદ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં સંખ્યાબંધ સીક્વલ રજૂ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં પણ સીક્વલ ફિલ્મોના પ્રોજેકટ કાર્યરત છે અને તેમાં દર્શકોને નવી અભિનેત્રીઓ જોવા મળશે.
દિવાળી વખતે બોલીવૂડમાં ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા-૩’ વચ્ચે ટક્કર થઇ છે. આ બંને સીક્વલના મુખ્ય અભિનેતાઓને યથાવત્ રાખવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય અભિનેત્રીઓ તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ‘ભૂલભૂલૈયા-2’માં કિયારા અડવાણી હતી. જ્યારે હવે તૃપ્તિ ડિમરી અને માધુરી દીક્ષિતને તક મળી છે. સાથે સાથે મૂળ ‘ભૂલભૂલૈયા’ની વિદ્યા બાલન પણ આ ફિલ્મમાં જોવા મળે છે. બીજી તરફ ‘સિંઘમ અગેઇન’માં દીપિકા પદુકોણ ખાખી યુનિફોર્મ પહેરીને એન્ટ્રી મારે છે. જ્યારે અગાઉની ફિલ્મમાં કાજલ અગ્રવાલને લેવામાં આવી હતી. રોહિત શેટ્ટીએ પોતાના પોલીસ યુનિવર્સની ફિલ્મમાં પ્રથમવાર કોઈ અભિનેત્રીને ખાખી વરદી પહેરાવીને પડદા પર રજૂ કરી છે.
અજય દેવગણની આવતા વર્ષે રજૂ થનારી ‘રેડ-2’ ફિલ્મમાં વાણી કપૂર જોવા મળશે. જ્યારે મૂળ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઈલિયાના ડીક્રુઝ હતી. તેવી જ રીતે ‘સન ઓફ સરદાર’માં સોનાક્ષી સિન્હા હતી. તેના સ્થાને હવે ‘સન ઓફ સરદાર-2’માં મૃણાલ ઠાકુરને પસંદ કરવામાં આવી છે. અત્યારે તે ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે.
ગત વર્ષે રજૂ થયેલી આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ-2’માં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકે મૂળ ફિલ્મની મુખ્ય અભિનેત્રી નુસરત ભરૂચાના સ્થાને અનન્યા પાંડેને મોકો આપ્યો હતો. જોકે અનન્યા બાબતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અને હવે અક્ષયકુમારની સુપરહીટ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘વેલકમ-૩’માં દિશા પટણી અને જેક્લીન ફર્નાન્ડીસને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અગાઉની બંને ‘વેલકમ’માં કેટરીના કૈફ અને શ્રૃતિ હાસન જોવા મળી હતી. આ ફિલ્મો સિવાય પણ બોલીવૂડમાં અનેક સીક્વલ્સ પર કામ ચાલી રહ્યું છે. જેમ કે ઋત્વિક રોશનની ‘ક્રિશ-4’માં પણ નવી અભિનેત્રીને પસંદ કરાશે એમ કહેવાય છે. તેવી જ રીતે જાણીતા ડાયરેક્ટર મધુર ભંડારકર પણ પોતાની સુપરહીટ ફિલ્મ ‘ફેશન’ની સીક્વલ બનાવવાનું વિચારી રહ્યાં છે, તેમાં પણ નવોદિત અભિનેત્રી હશે તેવું કહેવાય છે.
સીક્વલ્સમાં નવી અભિનેત્રીઓને લેવા વિશે જાણકારો કહે છે કે જ્યારે ફિલ્મ સર્જકો સીક્વલ વિષયક ફિલ્મની જાહેરાત કરે છે ત્યારે તેની રીકૉલ વેલ્યુ માટે મૂળ ફિલ્મના મુખ્ય અભિનેતાને લેવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે, જે તે અભિનેતા સંબંધિત ફિલ્મની સફળતાની ખાતરી આપે છે. જ્યારે મુખ્ય અભિનેત્રીની વાત કરીએ તો મૂળ મૂવીની મુખ્ય અભિનેત્રીએ લગ્ન કર્યા પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી હોય, અન્યત્ર રહેવા જતી રહી હોય કે ઉપલબ્ધ ન હોય એવું બને. એ વાત પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે હવે ફિલ્મ સર્જકો ઘણી જુની ફિલ્મોની સીક્વલ બનાવે છે અને એટલે નવી અભિનેત્રીઓને જ પસંદ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.