રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા હતી. ધજા, પતાકા વીરપુર ધામને શણગારવા આવ્યું હતું તથા ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાયો હતો.
આ પ્રસંગે જલારામ બાપા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું હતું. ગોંડલ પાસેના વીરપુરમાં જલારામ બાપાનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ રાજબાઇ અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. 18 વર્ષની ઉંમરે તેઓ ભોજ ભગતના શિષ્ય બની ગયા હતાં. તેમના ગુરૂના સૂચન પર તેમણે ‘સદાવ્રત’ ચાલુ કર્યું હતું. આ અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવતું હતું.
આ પ્રસંગે જામનગરમાં જલારામ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટનો વિશાળ કદનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે બાપાના ભક્તે ગૌમાતા માટે ભંડારાનું આયોજન કર્યુ હતુ અને ગાયોને 2001 કિલો ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો. વડોદરામાં પણ જલારામ મંદિરોમાં મહાઆરતી, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.