Rachel Reeves (Photo by Justin Tallis – WPA Pool/Getty Images)
  • સરવર આલમ દ્વારા

દાયકાઓ પહેલા મહેનત કરીને ઉભા કરાયેલા પારિવારિક માલિકીના બિઝનેસીસને ગયા સપ્તાહના બજેટમાં જાહેર કરાયેલ ઇનહેરિટન્સ ટેક્સના ફેરફારોને કારણે વેચવા માટે દબાણ ઉભુ થશે એમ ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલીકોએ ગરવી ગુજરાતને જણાવ્યું છે.

ચાન્સેલર રશેલ રીવ્ઝના £40 બિલિયનના કરવેરા વધારાના બોજનો સામનો બિઝનેસીસ અને શ્રીમંતોએ કરવો પડશે જે 30 વર્ષમાં સૌથી મોટો વધારો છે.  સૌથી વિવાદાસ્પદ ફેરફાર પૈકીનો એક બિઝનેસીસ પર લદાયેલો ઇનહેરિટન્સ ટેક્સનો છે. જેનો અર્થ એ થાય છે કે £1 મિલિયનથી વધુની સંપત્તિ વારસદારોને આપનાર પારિવારિક પેઢીઓ પર એપ્રિલ 2026થી 20 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. અગાઉ આવી કોઈ કર જવાબદારી ન હતી.

ફાર્મસીઓની સ્વતંત્ર શૃંખલા ડે લુઈસ ફાર્મસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સેમ પટેલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’વારસાગત કરમાં ફેરફારની પારિવારિક બિઝનેસીસ પર અપ્રમાણસર અને અયોગ્ય અસર પડશે. તેથી આગામી પેઢીના ખિસ્સામાંથી એવા સમયે ભંડોળ આપવાની જરૂર પડશે જ્યારે તેમની પાસે તે કર ચૂકવવા માટે રોકડ જ નહિં હોય. તે માત્ર 20 ટકા ટેક્સ નથી, તે અસરકારક રીતે 40 ટકા છે. કેમ કે તે રોકડ બિઝનેસમાંથી આવશે ત્યારે તેના પર પહેલા 20 ટકા આવકવેરો લાગશે, પછી ઇનહેરિટન્સ ટેક્સ વસૂલવામાં આવશે.”

કિરીટભાઇ અને તેમના ભાઈ જયંતિભાઈએ એક જ ફાર્મસી સાથે 1975માં શરૂ કરેલ ડે લુઇસ ફાર્મસી ચેઇન 266 ફાર્મસી અને 2,600 સમર્પિત પ્રોફેશનલને રોજગારી આપે છે.

ઉદ્યોગસાહસિકો, ખાનગી માલિકીના બિઝનેસીસ અને આંતરરાષ્ટ્રીય પરિવારોને સેવા આપતા એવલિન પાર્ટનર્સના ડિરેક્ટર મોનિકા દદ્દરે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’બિઝનેસીસ પરના  ઇનહેરિટન્સ ટેક્સને કારણે પેઢીઓથી ચાલતા ફેમિલી બિઝનેસીસ “મૃત્યુ” તરફ દોરાશે અને તેમણે આગળની યોજના વિશે વિચારવાની જરૂર પડશે. કારણ કે માલિકના મૃત્યુને કારણે વારસદારે ટેક્સ ચૂકવવા બિઝનેસને વેચવો પડી શકે છે. મારા અસંખ્ય ક્લાયન્ટ્સ પહેલેથી યુકે છોડવાની યોજના બનાવી રહ્યા છે અને સંખ્યાબંધ ઉદ્યોગસાહસિકોને યુકેમાંથી ભાગી જતા જોઉં છું. ત્યારે ખાનગી રોકાણ આવવું મુશ્કેલ હોઈ શકે છે.”

વડા પ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે બજેટ “કામ કરતા લોકોને” બચાવવા માટે “સૌથી પહોળા ખભા ધરાવતા લોકો”ને લક્ષ્ય બનાવશે. કેપિટલ ગેઈન ટેક્સ, ખાનગી શાળાઓ પરના VAT અને નોન-ડોમ ટેક્સમાં ફેરફારના પરિણામે બિઝનેસીસે વધુ ચૂકવણી કરવી પડશે.

બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે કહ્યું હતું કે ‘’NIમાં વધારો સરકારના નાણાં પર હાનિકારક અસર કરી શકે છે. એ ખર્ચમાં નોંધપાત્ર વધારાથી કાં તો નફાકારકતા ઘટશે અથવા ફુગાવા તરફ દોરી જશે. મને લાગે છે કે નફો ઘટવાની શક્યતા વધુ છે અને તે કોર્પોરેશન ટેક્સની આવકમાં ઘટાડો કરશે.”

પતિ ડૉ. ચાંદ નાગપોલ સાથે સ્ટેનમોરમાં હનીપોટ મેડિકલ સેન્ટર ચલાવતા ડૉ. મીના નાગપોલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’એમ્પ્લોયરના NI યોગદાનમાં વધારો દર્દીના સ્વાસ્થ્ય માટે ખરાબ પરિણામો તરફ દોરી શકે છે. તે અમને નોંધપાત્ર નાણાકીય અસર કરશે. એકાઉન્ટસને સંતુલિત કરવા લોકો ચિકિત્સકો સહિત ઓછા સ્ટાફની ભરતી કરી શકે છે. આના પરિણામે ઘણી નાની સર્જરીઓ બંધ થતાં દર્દીઓ પર સંભવિતપણે મોટી અસર થશે.”

હોટેલિયર ટોની મથારુએ કહ્યું હતું કે “પગારમાં વધારો કામ કરતા લોકો પર નકારાત્મક અસર થશે.  રોજગારનો ખર્ચ વધતા લોકો વિદેશમાં આઉટસોર્સ કરશે. બિઝનેસીસના માલિકો અર્થતંત્રનું જીવન છે, વૃદ્ધિને આગળ ધપાવે છે અને નોકરીઓનું સર્જન કરે છે. તેમના બિઝનેસમાં દખલગીરી અને કરનો ભાર ન મૂકવો જોઈએ. સરકારનું ધ્યાન “વૃદ્ધિ માટેનું રાષ્ટ્રીય મિશન” છે, તો બિઝનેસીસ યુકેના અર્થતંત્રમાં વૃદ્ધિ કરે છે, સરકાર નહીં. જો તેઓ રોકાણકારોને આકર્ષવા, અર્થતંત્રમાં વૃદ્ધિ કરવા અને નોકરીઓ અને આજીવિકા ઊભી કરવા અને ટકાવી રાખવા માંગતા હોય તો સરકારે ઉદ્યોગો અને ઉદ્યોગસાહસિકોને ટેકો આપવો જોઈએ.”

કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના ચીફ એક્ઝિક્યુટિવ રેન ન્યૂટન-સ્મિથે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’દેશમાં પરિવર્તન લાવવા માટે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા સરકારે ખાનગી ક્ષેત્રના રોકાણ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ બિઝનેસીસ માટે મુશ્કેલ બજેટ છે. એમ્પ્લોયર કોસ્ટ બેઝમાં વધારાની સાથે એનઆઇ યોગદાનમાં વધારો બિઝનેસ પર બોજ વધારશે અને રોકાણ કરવાની ક્ષમતાને અસર કરશે.”

LEAVE A REPLY